સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (12:15 IST)

સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવતાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ

સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ હતી તાપમાન રાજકોટમાં તો ૩૫ સે.સુધી પહોંચી ગયું હતું ત્યારે આજે પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમના પવનો સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ હવામાનમાં પલટો આવ્યો હતો અને ઠેરઠેર કમોસમીં વરસાદી ઝાપટાં વરસ્યા હતા.
કેટલાક સ્થળે તો પાણી ભરાઈ ગયા હતા અને સાંજથી હવામાન ટાઢુબોળ થઈ ગયું હતું તો કૃષિ પાકને જે તે વિસ્તારોમાં નુક્શાનની ચિંતા છવાઈ હતી. બીજીતરફ આવતીકાલથી ઠંડીનો દોર શરુ થવાની આગાહી છે અને તેની અસર આજ સાંજથી જ અનુભવાઈ હતી.
મોરબીના ચાંચાપર ગામે આજે સવારથી વાદળિયા હવામાનમાં સાંજે છએક વાગ્યે વરસાદી ઝાપટું વરસતા માર્ગો ભીંજાયા હતા. તો કચ્છના અંજાર પંથકમાં પણ ઝાપટું વરસ્યાના અહેવાલો છે. મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેકસ્થળે સાંજે ઝાપટાં વરસ્યા હતા અને ટંકારા-વાંકાનેર પંથકમાં પણ વાદળો સાથે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા હતા.
જામનગરમાં આજે બપોરથી પલટાયેલા હવામાન વચ્ચે કમોસમી છાંટા વરસ્યા હતા અને જિલ્લાના કાલાવડ અને લાલપુર પંથકમાં પણ આજે સાંજે કસમયના વરસાદી ઝાપટાંથી ખેડૂતોની ચિંતા વધી હતી. વરસાદી છાંટાના પગલે ટાઢોડું છવાયુંહતું. જામજોધપુરના તરસાઈ પંથકમાં પણ કમોસમી માવઠું વરસ્યું હતું.
ખંભાળિયા પંથકમાં પણ આજે બપોરે અઢી વાગ્યાના અરસામાં ઘટાટોપ વાદળો આકાશમાં ધસી આવ્યા હતા અને ધોધમાર વરસાદ શરુ થયો હતો. સતત એક કલાક ઝાપટાં વરસતા માર્ગો પર પાણી વહેતા થયા હતા. કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું હતું અને તીવ્ર પવનના કારણે ઠંડી અનુભવાઈ હતી.
મીઠાપુરમાં જાણે ચોમાસુ બેઠું હોય તેવો માહૌલ સર્જાય હતો અને પંદર વીસ મિનિટ સુધી વરસાદ વરસતા પાણી પાણી થઈ ગયું હતું અન તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. દ્વારકા તાલુકાના ઓખા,આરંભડા અને યાત્રાધામ દ્વારકા સહિતના સ્થળે બપોરના સાડાબારની આસપાસ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટું વરસી જતા માર્ગો ભીંજાયા હતા.
પોરબંદર જિલ્લામાં ચોમાસામાં વરસાદ નહીં વરસવાની ચિંતા પછી હવે શિયાળામાં કમોસમી વરસાદની ચિંતા આજે જન્મી હતી. બરડાં પંથકના અડવાણા, રાણારોજીવાડા, સીમર, ભોમીયાવદર, બગવદર સહિતના આજુબાજુના ગામડાઓમાં તથા દ્વારકાના જામરાવલસહિતના વિસ્તારોમાં આજે બપોર પછી હવામાનમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ વરસતા માર્ગો પર અને ખેતરોમાં પાણી ફરી વળ્યાહતા. હવામાન ઠંડુગાર બની ગયું હતું. તો અન્યત્ર આજે ધ્રાબડિયા હવામાનમાં સવારે ઠંડી ઓછી હતી પણ ભેજનું પ્રમાણ ખાસ્સુ વધી ગયુંહતું અને સાંજે ઠંડો પવન શરુ થયો હતો.
રાજકોટમાં સવારે ૧૫.૭ સે.એ ઠંડી ઓછી હતી અને વાદળો સાથે ભેજ ૮૬ ટકાએ હતો પણ બપોરે ઠંડો પવન નીકળતા ગઈકાલે ૩૫ સે.તાપમાન આજે ઘટીને ૨૯ સે.થઈ ગયું હતું. જુનાગઢમાં પણ સવારે ૧૪.૬ સે.તાપમાને ૯૦ ટકા ભેજ રહ્યો હતો. હવામાનખાતાના સૂત્રો અનુસાર આવતીકાલથી તાપમાનમાં બે-ત્રણ સે.ના ઘટાડા સાથે ઠંડીમા વધારો થવાની શક્યતા છે. ઓણ સાલ ડિસેમ્બર કરતા પણ જાન્યુઆરીમાં ઠંડી ઓછી પડી છે અને છેલ્લા કેટલાક દિવસથી બપોરે તો ઉનાળાનો અહેસાસ થતો હતો ત્યારે આજે ભર શિયાળે પહેલા ઉનાળાનો અને હવ ેવરસાદી માહૌલથી લોકોમાં આશ્ચર્ય થયું હતું.