શાળા સંચાલકો સાથે સમાધાન નહીં થતાં સરકાર હાઈકોર્ટના શરણે
કોરોનાના લીધે બંધ ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા ફી ઉઘરાવવા મામલે થયેલી અરજી બાદ હવે સરકારે હાઇકોર્ટમાં નવી અરજી કરી છે. સરકારે અરજીમાં એવી રજૂઆત કરી છે કે,‘ખાનગી સ્કૂલ સંચાલકો સાથે સરકારે બે વખત બેઠક યોજી છે. બેઠકમાં હાઇકોર્ટના આદેશ મુજબ સરકારે ખુલ્લા મન સાથે સંચાલકોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા, પરંતુ સંચાલકો ફી મામલે સમાધાન કરવા તૈયાર નથી. ફી મામલે હાઇકોર્ટ હુકમ કરે તે મુજબ સરકાર પગલા લેવા તૈયાર છે. લોકડાઉન બાદથી આજ દિન સુધી સ્કૂલ બંધ હોવા છતાં સ્કુલ સંચાલકો વાલીઓ પાસેથી ફરજિયાત ફી ઉઘરાવતા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજીનો નિકાલ કરતા હાઈકોર્ટે રાજ્ય સરકારને શાળા સંચાલકો સાથે ખુલ્લા મને બેઠક યોજીને સમાધાન કરવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે 17 ઓગસ્ટ અને 20 ઓગસ્ટે બે બેઠક યોજી હતી,પરતું સંચાલકો સાથે અનેક પ્રયત્નો કરવા છતાં ફી મામલે કોઇ સમાધાન થયું નથી, જેના લીધે રાજ્ય સરકાર ફી મામલે નવો ઠરાવ કે સુધારો કરી શકી નથી.ફી મામલે હાઇકોર્ટ હુકમ કરે તે મુજબ રાજ્ય સરકાર પગલા લેવા તૈયાર છે.