શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 જુલાઈ 2020 (19:33 IST)

સેશન્સ કોર્ટે હાર્દિક પટેલની રાજ્ય બહાર જવાની માંગણી કરતી અરજી ફગાવી

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને અમદાવાદ સેશન્સ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે હાર્દિક પટેલની રાજ્ય બહાર જવાની માંગણી કરતી અરજીને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. 18 જાન્યુઆરીની રાત્રે રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ ધરપકડ વોરંટ કાઢ્યું હતું. ત્યાર બાદ તેની વિરમગામ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજદ્રોહના કેસમાં શરતી જામીન મળતા જ હાર્દિક જેલ બહાર આવ્યો હતો. પરંતુ જેલ બહાર આવતા માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરી સભા સંબોધવા બદલ હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. માણસા કોર્ટમાંથી જામીન મળતા જ હાર્દિક પટેલની સિદ્ધપુર પોલીસે વર્ષ 2017માં ચૂંટણીમાં મંજૂરી વિના સભા કરતા તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. સિદ્ધપુર કેસમાં જામીન પર છૂટ્યા બાદ હાર્દિક પટેલ સામે વર્ષ 2015માં GMDC ગ્રાઉન્ડ પર નોંધાયેલા રાયોટિંગ કેસમાં તેની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એમ. ઉનડકટે નામંજૂર કરી હતી. જેને પગલે હાર્દિક હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.