મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 ડિસેમ્બર 2019 (11:34 IST)

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવા ચાલકને કચડી માર્યો

મેમનગર ગોકુલ રો હાઉસ બહારના રોડ ઉપર સોમવારે રાતે દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવાચાલકને કચડી માર્યો હતો. ઈનોવાની સ્પીડ 100થી વધુની હોવાની શંકા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નાસી છૂટેલા કારચાલકની શોધખોળ શરૂ કરી છે. 132 ફૂટ રિંગ રોડ ઉપર એઈસી બ્રિજ નીચેથી મેમનગર ગામ તરફ જતા રોડ ઉપર આવલા ગોકુલ રો હાઉસ બહારના રોડ પરથી સોમવારે રાતે પ્રફુલભાઇ પટેલ (સત્તાધાર, સ્વાગત એપાર્ટમેન્ટ) એક્ટિવા લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી પૂર ઝડપે આવેલી ઈનોવાના ચાલકે પ્રફુલભાઇના એક્ટિવાને ટકકર મારી હતી, જો કે ગાડીની સ્પીડ એટલી બધી હતી કે ટક્કર વાગતાની સાથે જ પ્રફુલભાઇ રોડ ઉપર પટકાયા હતા અને ઢસડાયા હતા.જેમાં માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી પ્રફુલભાઇનું મોત નિપજ્યું હતુ. ઘટનાની જાણ થતા ટ્રાફિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી.ખાંભલા સ્ટાફ સાથે આવી પહોંચ્યા હતા અને પ્રફુલભાઇનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ અંગે પોલીસે નાસી છૂટેલા ઈનોવાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી. ઘટના અંગે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે, હું દિલગીર છું. મારો ડ્રાઈવર કાર લઈને નીકળ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ઈસનપુરના ગોવિંદવાડી ભગવાનનગરના ટેકરા પાસે કારચાલકે ફૂટપાથ સૂઈ રહેલા 3 શ્રમજીવીઓ પર કાર ચઢાવી દીધી હતી. લાલ કલરની કાર ટક્કર માર્યા બાદ ચાલક ફરાર થઈ ગયો હતો. ત્રણેય શ્રમિકોને ગંભીર ઈજાઓ થતાં એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આસપાસમાં સીસીટીવીની પણ તપાસ હાથ ધરી છે. જો કે હજુ સુધી કઈ કાર હતી તે સ્પષ્ટ થયું નથી. પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 દિવસમાં અકસ્માતની ઘટનાઓમાં કુલ 3 લોકોનાં મોત નીપજ્યા છે.