શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 જુલાઈ 2021 (15:07 IST)

ભૂતકાળમાં અમારા નેતાઓ પર ચપ્પલ ફેંક્યા છે, હવે તેઓ ભોગ બન્યા તેનું તેમને દુઃખ થતું હશે

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર, મેમનગર, બોડકદેવ અને ગુલબાઈ ટેકરા, અમદાવાદ ખાતે રૂ.152 કરોડનાં ખર્ચે નિર્મિત વિવિધ કક્ષાનાં 520 બહુમાળી આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ આવાસોનું લોકાર્પણ કરવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે આપના નેતાઓ પર થયેલા હુમલા અંગે વાત કરી આડકતરી રીતે આપ પર પ્રહાર પણ કર્યાં હતા.

જો કે તેમણે જણાવ્યું કે, અમે આ પ્રકારની કોઈપણ ઘટનાને પ્રોત્સાહન આપતા નથી. પરંતુ ભૂતકાળમાં જેમણે ખૂબ તોફાન કર્યાં છે અને અમારા નેતાઓ પર ચંપલો નાંખી છે, જૂતાઓ નાંખ્યા છે, ટીપ્પણીઓ કરી છે સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષામાં મેસેજ મુક્યા છે, એવા લોકો કદાચ આવા પ્રકારના કૃત્યોનો ભોગ બનતા હોય ત્યારે તેમને દુઃખ થતું હશે, મને પણ દુઃખ થાય છે.નીતિન પટેલે વધુમાં ઉમેર્યું કે ભૂતકાળમાં જે કર્યું છે, કદાચ હવે એમને આવું સહન કરવાનો વારો આવ્યો છે અથવા હવે કોઈ જ્ઞાતિ, કોઈ સમાજ કે ધર્મ વિષે બેફામ ઉચ્ચારણો કર્યા હોય તો હવે તેમને જવાબ આપવાનો વારો આવે તો તેમણે તેનું નિરાકરણ કરવાનો વિચાર કરવાનો છે.