બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 એપ્રિલ 2021 (22:00 IST)

ગુજરાત સરકારે રાજ્યમાં અછત હોવા છતાં રેમડેસિવિરના 25 હજાર ઈન્જેક્શનો ઉત્તરપ્રદેશ સરકારને આપ્યા

કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવા રાજ્યભરમાં પડાપડી થઈ રહી છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ બહાર ઈન્જેક્શન ખરીદવા માટે લાંબી લાંબી લાઈનો જોવા મળે છે, આ વચ્ચે ગઈકાલે હોસ્પિટલે સ્ટોક ન હોવાનું કહીને રેમડેસિવિરનું વેચાણ બંધ કરી દીધું હતું. ત્યારે હવે યુપી સરકારના સ્પેશ્યલ વિમાનમાં અમદાવાદથી લખનઉમાં રેમડેસિવિરના 25,000 ઈન્જેક્શનનો જથ્થો પહોંચ્યો છે.

યુપી સી.એમ યોગી આદિત્યનાથે પણ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, સ્વાસ્થ્ય અધિકારીઓને વિમાનથી અમદાવાદ મોકલ્યા છે અને દવા આજે જ લખનઉ પહોંચી જશે.ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે અમદાવાદથી રેમડેસિવિર ઈન્જેક્શનો મગાવાયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર ઉત્તર પ્રદેશ માટે રેમડેસિવિર ઈન્જેક્શન લેવા લખનઉથી અમદાવાદ માટે વિમાન મોકલવામાં આવ્યું હતું,

આજે સાંજે આ વિમાન ઈન્જેક્શન લઈને લખનઉ પરત ફર્યું હતું. હજુ પણ અન્ય જગ્યાએથી રેમડેસિવિર મગાવવા માટે ઉત્તર પ્રદેશની સરકાર પ્રયાસ કરી રહી છે.ઉત્તર પ્રદેશના CMO ઓફિસ તરફથી આ મામલે આજે સવારે ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં રેમડેસિવિરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સ્વાસ્થ્ય વિભાગને અમદાવાદથી 25,000 ઈન્જેક્શનનો ડોઝ તાત્કાલિક મગાવવા માટે આદેશ આપ્યો છે. આજે સાંજ સુધીમાં આ ઈન્જેક્શનનો જથ્થો રાજ્યમાં પહોંચી જશે.