શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 જુલાઈ 2020 (17:35 IST)

ભક્તો અવ્યવસ્થા કરશે તો સોમનાથ મંદિર બંધ કરવુ પડશેઃ ટ્રસ્ટી પી.કે.લહેરી

આજે પવિત્ર શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે સોમનાથ જ્યોર્તિલિંગ ખાતે વહેલી સવારે ભાવિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો સર્જાયો હતો. ત્યારે આ ઘટનાના મોટા પડઘા પડ્યા છે. સોમથાન મંદિરના ટ્રસ્ટી પી.કે. લહેરીએ આ અંગે મોટું નિવેદન આપ્યું કે, ભક્તો અવ્યવસ્થા કરશે તો સોમનાથ મંદિર બંધ કરવુ પડશે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ પોલીસ-ભક્તો વચ્ચે મારામારીની ઘટના બાદ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. સોમનાથ મંદિરમાં દર્શન માટે પાસ સિસ્ટમ લાગુ થાય તેવી સંભાવના છે. આ સાથે જ પી.કે. લહેરીએ કહ્યું કે, પાસ વ્યવસ્થા લાગુ કરવા અને ક્યારથી તેનો અમલ કરાશે તેની સાંજ સુધીમાં સત્તાવાર માહિતી જાહેર કરાશે. ભક્તો અવ્યવસ્થા કરશે તો મંદિર બંધ કરવું પડશે. પાસ સિસ્ટમ લાગુ કર્યા પછી પણ દર્શન માટે આવતા ભક્તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરે તો દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવું પડી શકે છે.તેમણે વધુમાં કહ્યું કે, મંદિર ટ્રસ્ટ એ વાતનું સૌથી વધુ ધ્યાન રાખશે કે સોમનાથ દાદાની શરણમાં આવતા કોઈ પણ ભક્તને તકલીફ ન પડે. આજની ઘટના એ કોઈ ભક્ત દ્વારા સુરક્ષા માટેના પોલીસ કર્મીને લાફો મારવાને કારણે બની હતી. ઉશ્કેરાટમાં આવીને સુરક્ષા માટે તૈનાત પોલીસ પર હાથ ઉપાડવાની ઘટનાના પ્રતિસાદરૂપે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. બાકી ગઈકાલે સોમવતી અમાસ હતી અને 10 હજારથી વધુ ભક્તો સોમનાથ દાદાના દર્શન કરીને ગયા હતા તેમ છતાં કોઈ અવ્યવસ્થા સર્જાઈ નહોતી. આ સંજોગોમાં સોમનાથ દાદાના દર્શને આવતા ભક્તોએ પણ સંયમ જાળવવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ખૂબ જરૂરી છે.  આજે વહેલી સવારે સોમનાથ મંદિરમાં દર્શન માટે મોટી લાઈન લાગી હતી.