શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 જુલાઈ 2020 (10:17 IST)

શ્રાવણ માસના પ્રથમ દિવસે દાદાના દર્શન માટે ધક્કામુકી, ગાઇનલાઇનની ઐસી કી તૈસી

કોરોના વાયરસના ભયના ઓથાર હેઠળ આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ગુજરાતભરના શિવ મંદિરોમાં આજે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ત્યારે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે ભક્તો દાદાના દર્શને પહોંચી ગયા હતા. ભક્તો દાદાના દર્શનની હોડમાં ભાન ભૂલ્યા હતા અને કોવિડની ગાઈડલાઇનના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. ભાવિક ભક્તો વચ્ચે ધક્કામુક્કી અને ટોળા વળેલા દ્વશ્યો સર્જાયા હતા. સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર મૂકપ્રેક્ષક બનીને જોતા રહી ગયા. કોવિડની ગાઈડલાઇનના ચુસ્ત પાલન માટેના ટ્રસ્ટ અને તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસમાં ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરના સમયમા ફેરફાર કરવામાં આવ્યો છે. ભક્તો સરળતાથી દર્શન કરી શકે તેના માટે શનિવાર રવિવાર અને સોમવારના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. શ્રાવણ મહિનામાં મંદિર સવારે 6. 30 ના બદલે 6 વાગે મંદિરના દ્વારા ખુલશે. તો સાંજે 7.30 ના બદલે 9.15 સુધી મંદિરના દ્વારા ખુલ્લા રહેશે. સામાન્ય દિવસોમાં સવારે 7:30 થી 11:30 અને બપોરે 12:30 થી 6:30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે.
 
રાજ્ય સરકારના સુત્રોના જણાવ્યા અનુસાર ધાર્મિક સ્થાનો માટે અગાઉની ગાઇડલાઇન જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના તમામ મોટા ધાર્મિક સ્થાનો અને શિવમંદિરોને જુની ગાઇડલાઇન મુજબ નિયમોનુ પાલન કરવા સુચના અપાઈ છે. જરૂર જણાય તો જે-તે જીલ્લા કલેક્ટર પોતાના જિલ્લાની સ્થિતિ મુજબ નોટિફિકેશન બહાર પાડી શકશે. મંદિર અને ધાર્મિક સ્થાનોમા પણ તમામ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગેરેના નિયમોનુ પાલન કરવુ પડશે. જુની ગાઇડલાઇન મુજબ મંદિરમાં પ્રસાદ પણ આપવામાં નહી આવે.