ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑગસ્ટ 2020 (13:04 IST)

સોમનાથમાં હવેથી દર્શનાર્થીઓ માટે કાયમી પાસ સીસ્ટમ

સોમનાથ મંદિરમાં શ્રાવણ માસમાં સરકારની સોશ્યલ ડિસ્ટન્સીંગનો અમલ કરાવવા તમામ દર્શનાર્થીઓ માટે પાસ સીસ્ટમ અમલી બનાવાઇ છે. આ સીસ્ટમ હવે કાયમી બની રહેવાની છે. અત્યારે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે પાસ મળે છે. પણ ભવિષ્યમાં 100 ટકા ઓનલાઇન પાસ મળે એવી વ્યવસ્થા પણ ઉભી કરાઇ શકે છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ દરમ્યાન કોરોના વૈશ્વીક મહામારીમાં શ્રદ્ધાળુઓને નિયત સમયમાં શાંતિથી સામાજીક અંતર જાળવીને દર્શન કરવા માટે ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન પાસ સીસ્ટમ શરૂ કરવામાં આવી છે. શ્રાવણ માસમાં 1,81,846 શ્રદ્ધાળુઓએ ઓનલાઇન અને ઓફલાઇન પાસ સીસ્ટમથી દર્શન કરેલ છે. આ સીસ્ટમ ગોઠવવા બદલ અનેક શ્રધ્ધાળુઓએ ટ્રસ્ટની કામગીરીને આવકારી પણ છે. અનેક મંદિરોમાં આ રીતે દર્શન માટે પાસ સીસ્ટમ અમલમાં છે. આથી સોમનાથ મંદિરમાં પણ પવિત્ર શ્રાવણ માસના અનુભવ પછી દર્શન માટે કાયમી ધોરણે ઓનલાઇન તથા ઓફલાઇન પાસ સીસ્ટમ ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે પછી શ્રધ્ધાળુઓએ સોમનાથ મંદિરમાં દર્શન માટે ઓનલાઇન તથા ઓફલાઇન પાસ લેવાનો રહેશે. આગામી સમયમાં કદાચ ઓફલાઇન પાસ બંધ કરી ફક્ત ઓનલાઇન પાસ સીસ્ટમ અમલી પણ બનાવાઇ શકે છે. એમ પણ તેમણે જણાવ્યું હતું. એજ રીતે શ્રાવણ માસ દરમ્યાન ઇ-પૂજાનો પણ દુનિયાભરના ભાવિકોએ ઘેરબેઠાં લાભ લીધો. અને તેને સારો આવકાર મળ્યો હોવાથી વીડિયો કોલીંગ મારફત ઇ-પૂજા સંકલ્પવિધી પણ કાયમી ચાલુ રહેશે. શ્રાવણ બાદ તા. 20 ઓગસ્ટ થી સોમનાથ મંદિરનો સમય સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે.મંદિરની ત્રણેય આરતીમાં કોઇ પણ શ્રધ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે નહીં દર્શનનો સમય સવારે 7:30 થી 11:30, બપોરે 12:30 થી સાંજે 6:30 અને સાંજે 7:30 થી 9:30 સુધીનો રહેશે.શ્રાવણ માસ દરમ્યાન સોમનાથમાં 54 ભાવિકોએ સવાલક્ષ બીલ્વપૂજા કરી. આ ઉપરાંત 153 ધ્વજાપૂજા, તેમજ 46 લોકોએ તત્કાલ મહાપૂજા પણ કરાવી હતી.