શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 મે 2022 (14:49 IST)

કેરાલાના સોનીએ અમદાવાદના નવરંગપુરાના વેપારી સાથે 22 લાખની ઠગાઈ કરી

કેરાલાના એક સોનીએ અમદાવાદના નવરંગુરાના એક સોનાના વેપારીનો વિશ્વાસ કેળવ્યા બાદ તેમની પાસેથી બાકીમાં રૂ. 22.11 લાખના સોનાના ઘરેણાં ખરીદ્યા હતા. જે પૈસાની ઉઘરાણી કરવા છતાં ન આપતા આખરે વેપારીએ કેરળના સોની સામે નવરંગપુરામાં ફરિયાદ નોંધાવી હતી.

પાલડી આયોજન નગરમાં રહેતા આર્યન શાહ (33) નવરંગપુરા કંચનગંગા ફ્લેટમાં અસલ જ્વેલરીમાં સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરે છે. પપ્પુ સુથાર, ગૌરવભાઇ અને વિજય સોની એજન્ટ તરીકે કમિશન લઈને તેમની સાથે કામ કરે છે. આર્યનને 2019માં આ લોકો સાથે ઓળખાણ થયા બાદ પપ્પુ સુથારે કેરળના વેપારી મોહમ્મદરફી સાથે ઓળખાણ કરાવી હતી. જે બાદ 30 ઓગષ્ટ 2019એ મોહમ્મદરફીને રૂ.14.45 લાખના સોના-ચાંદીના દાગીના, 25 સપ્ટેમ્બર 2019એ રૂ.27.66 (725.820 ગ્રામ 22 કેરેટ) લાખના ઘરેણાં અને 26 સપ્ટેમ્બરે રૂ. 5 લાખના ઘરેણાં આપ્યા હતાં.

આમ આર્યને મોહમ્મદરફીને ઉધારમાં રૂ.42.19 લાખના સોના-ચાંદીના ઘરેણાં આપ્યા હતાં. જે પેટે લેવાની થતી રકમ અંગે ઉઘરાણી કરતા મોહમ્મદે રૂ.20 લાખ આર્યનને આપ્યા હતા અને બાકીના પૈસા પણ જલદી આપી દેશે તેવો વાયદો કર્યો હતો. જેથી ફરી બાકી રહેલા રૂ.22.19 લાખની ઉઘરાણી કરી હતી. નવરંપુરાના વેપારી આર્યને ફોન કરી પૈસા માગતા આખરે મોહમ્મદ રફીએ રૂ.22.19 લાખના 4 ચેક આપ્યા હતાં. જે ચેક બેંકમાં ભરતાં રીટર્ન થયા હતા.ત્યાર બાદ આર્યને કેરળ જઇ તપાસ કરી તો અહીં પણ મોહમ્મદરફી મળ્યો નહોતો અને તેણે ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. આથી ઠગાઇ કરનાર મોહમ્મદરફી વિરુદ્ધ આર્યને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી