શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (18:15 IST)

કાઉન્સિલરને ધમકી/ 'તુમ મસ્જિદ ગીરાઓગે, તો હમ તુમ્હે ગીરા દેગે' અજાણ્યા શખસે ભાજપના કોર્પોરેટરને ફોન કરીને ધમકી આપી, ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

-મસ્જિદના ગેરકાયદે બાંધકામ મામલે સભામાં રજૂઆત કરનાર કોર્પોરેટરને જાનથી મારી નાખવાની મળી
 
વડોદરાના તાંદલજા વિસ્તારમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામ મામલે સભામાં રજૂઆત કરનાર ભાજપના કોર્પોરેટરને અજાણ્યા વ્યક્તિએ ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અજાણ્યા શખસે નીતિન દોંગાને ફોન કરીને 'તુમ મસ્જિદ ગીરાઓગે તો હમ તુમ્હે ગીરા દેગે' તેવી ધમકી આપી હતી. આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે મસ્જિદનું બાંધકામ તોડી પાડવા 7 દિવસની નોટિસ ફટકારવામાં આવી છે. 
 
કોર્પોરેટરે ગેરકાયદે બાંધકામ મામલે સભામાં રજૂઆત કરી હતી
પાલિકાની સામાન્ય સભામાં ભાજપના ઇલેક્શન વોર્ડ નં-10ના કોર્પોરેટર નીતિન દોંગાએ તાંદલજામાં મસ્જિદનું બાંધકામ ગેરકાયદે હોવા છતાં કાર્યવાહી કેમ થતી નથી, તેવો સવાલ ઉઠાવ્યો હતો. તેમણે પાલિકાના અધિકારીઓ ગેરકાયદે બાંધકામ તોડતા નથી તેવો આક્ષેપ કર્યાં હતા. આ મુદ્દે પાલિકા દ્વારા બે વખત નોટિસો આપવા છતાં વધારાના બાંધકામને તોડવા કાર્યવાહી કરાતી નથી. 24 મીટરના રોડ પર રોડથી 4 મીટરનું માર્જિન છોડવાનું હોય છે અને તેમાં કોઇ બાંધકામ થઇ શકે નહીં. છતાં મસ્જિદ દ્વારા 25 ફૂટ ઊંચી દીવાલનું બાંધકામ કરાયું હતું.
 
ગેરકાયદે બાંધકામ દૂર કરવા પાલિકાએ 7 દિવસની મુદત આપી
બે દિવસ અગાઉ ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે પાલિકાએ 7 દિવસની મુદત આપી છે અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એવી ટકોર કરતી નોટિસ ફટકારવામાં આવી છે. તાંદલજા વિસ્તારમાં જે પી રોડ પોલીસ મથક ચાર રસ્તા પાસે મસ્જિદનું નિર્માણ થયું છે. આ મસ્જિદમાં પાલિકાના બાંધકામ પરવાનગી વિભાગની જાણ બહાર માર્જિન વાળા ભાગમાં બાંધકામ થયું છે અને 15 ફૂટ વધારાના બાંધકામનો ઘટસ્ફોટ ભાજપના કોર્પોરેટર નીતિન ડોંગાએ પાલિકાની સભામાં કર્યો હતો.
 
કોર્પોરેટરને ફોન કરીને ધમકી આપી
ગુરૂવારે સાંજે કોર્પોરેટર નીતિન દોંગાને અજાણ્યા શખસે ફોન કરી "તુમ મસ્જિદ ગીરાઓગે તો હમ તુમ્હે ગીરા દેગે" તેવી ધમકી આપી હતી. જેથી આ અંગે કોર્પોરેટરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હોત્રી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.