લ્યો બોલો પાવાગઢના ડુંગર પર ગધેડાના માલિકો હડતાલ પર ઉતરી ગયા
પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના ડુંગર પર માલ-સામાન પહોંચાડતા ગધેડાઓના માલિકો હવે હડતાલ પર ઉતર્યા છે. અહીં પાવાગઢના ડુંગરો પર ટ્રાન્સપોર્ટેશન માટે ગધેડાઓને ઉપયોગમાં લેવાય છે. પંચમહાલ જિલ્લા તંત્રએ પ્રાણીઓ પર લાદવામાં આવતા સામાન બાબતે ક્રુઅલ્ટી ટુ ડ્રોટ એન્ડ પેક એનિમલ્સની જોગવાઇનું કડક રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામા આવતાં ગધેડાના માલિકોએ વિરોધ નોંધાવ્યો છે. કાયદાની જોગવાઇઓ મુજબ પ્રાણી પર 50 કિલોથી વધુ વજન ન લાદવો જોઇએ. ત્યારે ગધેડાના માલિકોનું માનવું છે કે જો 50 કિલોથી વધુ વજન ગધેડા પર ન લાદીએ તો અત્યારના ભાવ પ્રમાણે અમારી યોગ્ય કમાણી નહીં થાય. ગધેડાના એક માલિકે કહ્યું કે, અત્યારે ચૂકવવામાં આવતી કિંમત પૂરતી નથી, ત્યારે 50 કિલો વજન વાળા નિયમથી અમે પૂરતી કમાણી નહીં કરી શકીએ, અને બીજી બાજુ એ ડર પણ સતાવતો રહે છે કે વધુ વજન લાદશું તો કેસ દાખલ થશે. ત્યારે તંત્રનો વિરોધ કરવા માટે તેઓ હડતાલ પર ઉતરી ગયા છે. કાયદાના અમલિકરણમાં પ્રેક્ટિકલ મુશ્કેલીઓ હતી. સિંગલ ગેસ સિલિન્ડરનું વજન 31 કિલો હોય છે તેવામાં જો આ કાયદાનો અમલ કરવામાં આવે તો એક સમયે એક જ સિલિન્ડર ઉઠાવી ટ્રાન્સપોર્ટ કરી શકે છે. જો ગધેડાઓ માલ ટ્રાન્સપોર્ટ ન કરે તો અનેક મુશ્કેલીઓ સર્જાઇ શકે છે, દૂધ, રાંધણ ગેસ, કરિયાણું સહિતની કેટલીય વસ્તુઓની સપ્લાઇ અટકી જાય. ઉપરાંત અત્યારે કાર્યરત પાવાગઢ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેનું મટિરિયલ પણ ગધેડાઓ દ્વારા જ ટ્રાન્સપોર્ટ કરવામા આવતું હતું. ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ જણાવ્યા મુજબ ટ્રેડર્સે સમજવું પડશે કે તેમણે યોગ્ય કિંમત આપવાનું શરૂ કરવું પડશે.