ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 જુલાઈ 2021 (12:41 IST)

સુરતમાં PAAS નેતા અલ્પેશ કથિરીયાને જામીન મળતાં જેલ બહાર આવ્યો, હાર્દિક પટેલ સહિતના કાર્યકરોએ સ્વાગત કર્યું

છેલ્લા ત્રણેક મહિનાથી લાજપોર જેલમાં બંધ પાસ નેતા અલ્પેશ કથિરીયાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપતાં આજે જેલમુક્તિ થઈ છે. લાજપોર જેલ બહાર અલ્પેશ કથિરીયાના સ્વાગત માટે કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ સહિત પાસના કાર્યકરો ઉમટી પડ્યાં હતાં. લાજપોર જેલથી સ્વાગત થયા બાદ અલ્પેશ કથિરીયાએ મિની બજાર ખાતે સરદારની પ્રતિમાને હારતોરા કર્યા હતાં. જ્યાં ભીડ વધુ એકઠી થતાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ થયો હતો.જય પાટીદાર.. જય સરદારના નારા સાથે અલ્પેશ કથિરીયાને જેલ મુક્ત થતાં જ વધાવી લેવાયો હતો.

લાજપોર જેલમાંથી અલ્પેશ કથિરીયા સીધો વરાછા મિની બજાર માનગઢ ચોક ખાતે પહોંચ્યો હતો. વાહનોના કાફલા સાથે વરાછા વિસ્તાર આવેલા અલ્પેશે સરદાર પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને પોતાના ઘરે જવા નીકળ્યો હતો. આ દરમિયાન લોજપોર જેલ અને મિનિ બજાર ખાતે મોટી સંખ્યામાં યુવકો હાજર રહેતા સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડ્યાં હતાં.કોંગ્રેસ નેતા અને એક વખતે પાસના સર્વે સર્વા રહેલા હાર્દિક પટેલ પણ અલ્પેશ કથિરીયાના સ્વાગત માટે સુરત આવ્યાં હતાં. જેમણે કહ્યું હતું કે, અમારો મિત્ર અને સાથીદાર જેલમુક્ત થતો હોય તેનો સ્વાભાવિક આનંદ હોય, હું તેના સ્વાગત માટે આવ્યો છું. સમાજ માટે ગરીબો માટેની લડાઈ ચલાવનાર દરેક વ્યક્તિએ સાથે મળીને હજુ પણ વધુ લડાઈ કરવાની છે. જે આગામી સમયમાં પણ ચાલું રહેશે.લાજપોર જેલની બહાર કોંગ્રેસના હાર્દિક પટેલ સહિત પાસ અને આપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ દ્વારા પણ સોશિયલ મીડિયામાં અલ્પેશ કથિરીયાના સ્વાગતમાં હાજર રહેવા માટેના મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યાં હતાં. આમ આદમી પાર્ટીનો કોર્પોરેશનમાં જે બેઠકો મળી હતી. તે પાટીદાર વિસ્તારોમાંથી જ મળી છે. માટે આમ આદમી પાર્ટીના નેતાઓ અલ્પેશ કથિરીયા સાથે નજીકના સંબંધ બનાવવા માંગે છે.