મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 28 જૂન 2022 (12:06 IST)

ચીકલીગર ગેંગના કુખ્યાત આરોપીઓની કાર આવતા જ દંડાઓ લઈને ક્રાઈમબ્રાંચના 12 પોલીસકર્મી તૂટી પડ્યા, બે આરોપી ઝડપ્યા

surat news
સુરત શહેર અને જિલ્લામાં ચીકલીગર ગેંગનો ખૂબ જ આતંક જોવા મળે છે. પોલીસને ચોક્કસ માહિતી ન મળે ત્યાં સુધી તે હાથે લાગતા નથી. અનેક વખત પોલીસને પણ ચકમો આપીને ફરાર થવામાં સફળ થઈ જાય છે. જોકે, આજે સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમી આધારે બારડોલી નજીક ઓપરેશન કર્યું હતું. જેમાં ચીકલીગર ગેંગના બે કુખ્યાત સાગરિતોને ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસે બાતમી આધારે રોડ પર જ વોચ ગોઠવી હતી. ઈકો કારમાં આરોપીઓ આવતા જ દંડાઓ લઈને 12 જેટલા પોલીસકર્મીઓ તૂટી પડ્યા હતા. છતાં આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અંતે મહામનતે બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.સુરત ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે ઈકો કારમાં ચીકલીગર ગેંગના સાગરિતો બારડોલી નજીક પસાર થવાના છે. જે ઈકો કારમાં તે પસાર થવાના હતા તે ઈકો કાર આવતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમ કાર ઉભી રાખીને તેના ઉપર દંડા લઈને તૂટી પડ્યા હતા. 12 જેટલા પોલીસકર્મીઓ લાકડાના ફટકા વડે કાર પર મારવાનું શરુ કરી દીધું હતું. ઈકો કારમાં બેઠેલા ચીકલીગર ગેંગના બે સાગરિતોએ પોલીસના દંડાના વરસાદ વચ્ચે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે રોડ પર એક સાઈડ કારનો કાફલો અને એક સાઈડ જેસીબી ઉભુ કરી દીધું હતું. ઈકો કાર ભગાવતા કાર જેસીબી સાથે અથડાઈ હતી અને કાર ત્યા જ ફસાઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસે ચીકલીગર ગેંગના બે સાગરિતોને કારમાંથી ઉતારી ધરપકડ કરી હતી.

ચીકલીગર ગેંગની મોડસ ઓપરેન્ડી ખુબ જ અલગ પ્રકારની હતી. તે શહેર અને જિલ્લાની અંદરથી કાર ચોરી કરતા હતા અને તે જ વાહનોનો ઉપયોગ કરી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. આ સાથે વાહન ચોરી, ખૂનની કોશિશ વગેરે અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે.ચીકલીગર ગેંગના સાગરિતો સુરત શહેર સહીત સુરત જિલ્લામાં રાત્રી ઘરફોડ, ધાડ, ધાડની કોશિશ અને હત્યાના પ્રયાસ સહિત અનેક ગુનામાં સંડોવાયેલા છે. જોકે આરોપીની ધરપકડ બાદ અનેક ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે છે. ચીકલીગર ગેંગમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ગુજરાતના શખ્સો હોવાથી આ વિસ્તારોમાં પણ આ લોકોએ ગુના કર્યા હોવાની શક્યતા નકારી શકાતી નથી.2014થી નાસતા ફરતા વોન્ટેડ આરોપી અંગે બાતમી મળતા ડિંડોલી ભેસ્તાન ચાર રસ્તા પાસે પેટ્રોલિંગ દરમિયાન ચીકલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર રાજબીર ઉર્ફે જનરલસિંગ ઝડપાઈ ગયો હતો. આ ચીકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર મિલકત અને શરીર સંબંધી 26 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી. સુરત શહેરમાં અને જિલ્લામાં તેનો ખૂબ મોટો આતંક જોવા મળતો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર પણ હુમલો કરીને આ આરોપી ફરાર થઈ ગયો હતો.