1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 4 સપ્ટેમ્બર 2024 (18:25 IST)

સુરતમાં બેંક ખાતા ખોલાવી કિટ અને સીમકાર્ડ દુબઈ મોકલવાનું રેકેટ ઝડપાયુ

Surat cyber fraud news
શહેરમાં કાપોદ્રા પોલીસે નંબર પ્લેટ વિનાની નવી નક્કોર સ્કોર્પિયોમાંથી બે યુવાનને કાપોદ્રા ચાર રસ્તા પાસેથી ઝડપી લીધા હતા.મુખ્ય આરોપી બનાવટી પેઢી ઊભી કરી બેંક એકાઉન્ટ ખોલી તેને સાયબર માફિયાઓને વેચી દેતો હતો. આ બેંક એકાઉન્ટનો સાયબરને લાગતા તમામ ફ્રોડમાં ઉપયોગ કરાતો હતો. મુખ્ય આરોપી અવનિત ઠુમ્મર એક વર્ષમાં આ રીતે બેંક એકાઉન્ટ વેચી કરોડપતિ બની ગયો છે. હવે આ કરોડપતિ ગઠિયાને પોલીસે પકડી લેતા મોટા ફ્રોડના ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે
 
17.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
કાપોદ્રા પોલીસે બાતમીના આધારે મંગલદીપ કોમ્પ્લેક્સ સામે રોડ ઉપરથી નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો કારમાંથી અવનિત ભુપતભાઇ ઠુમ્મર અને આયુષ વિપુલભાઇ વસોયાને ઝડપી પાડયા હતા.પોલીસે તેમની પાસેથી 8 બેંક એકાઉન્ટ કિટ, અલગ અલગ કંપનીના 7 સીમકાર્ડ, 21 ચેકબુક અને પાસબુક, 12 પાનકાર્ડ અને આધારકાર્ડ, 10 બનાવટી ફર્મ/પેઢી કરાર, તેના 12 રબર સ્ટેમ્પ, કેશ કાઉન્ટર મશીન અને સ્કોર્પિયો વિગેરે મળી કુલ રૂ. 17.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સિલ પેક બેંક એકાઉન્ટ કિટ હતી જેમાં પાસબુક ચેકબુક સહિતની તમામ બેંક એકાઉન્ટની માહિતી હતી.
 
બોગસ ભાગીદારી પેઢી બનાવી કોર્પોરેટ એકાઉન્ટ ખોલાવતા
પોલીસે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ તેમના સર્કલના મિત્રો અને પરિચિતોને કમિશનની લાલચ આપી બેંક ખાતા ખોલાવી તેની ઈન્સ્ટન્ટ કિટ અને સીમકાર્ડ મેળવી સાયબર ફ્રોડ કરતી ટોળકીને રાજસ્થાનના જયપુરના એક વ્યક્તિને આપતા અને તે આગળ દુબઈ મોકલતો હતો. બંનેએ અત્યાર સુધીમાં 45થી વધુ જીએસટી સાથે સંકળાયેલા અને કરંટ એકાઉન્ટ ખોલીને જયપુરના વ્યક્તિને આપ્યા હતા, પણ તેની લિમિટ ઓછી હોય હવે તેઓ 5 કરોડની લિમિટના કોર્પોરેટ એકાઉન્ટ ખોલાવવાના હતા અને તે માટે જુદાજુદા નામે બોગસ ભાગીદારી પેઢી બનાવી તેના પાનકાર્ડ મેળવી તેની સાથે આવેલા એસ્ટીમ લેટરની મદદથી કોર્પોરેટ એકાઉન્ટ ખોલાવવા તજવીજ કરતા હતા.
 
45થી વધુ એકાઉન્ટ પુરા પાડી કરોડપતિ બની ગયો
અવનિત દોઢ વર્ષ પહેલાં રત્નકલાકાર હતો. બાદમાં રાજસ્થાનના જયપુરના યશના સંપર્કમાં આવ્યો હતો. અત્યાર સુધી તે 45થી વધુ એકાઉન્ટ પુરા પાડી એક વર્ષમાં તે કરોડપતિ બની ગયો હતો. માતા માટે 22 તોલા દાગીના પોતાની માટે ત્રણ તોલાની ચેઈન, પાંચ ગ્રામની ચાર વીંટી ખરીદી હતી. એક મહિના પહેલાં સ્કોર્પિયો લીધી હતી. જેની ગોલ્ડન સિરીઝ મેળવવા 51 હજાર રૂપિયા ડિપોઝિટ આરટીઓમાં ભરી હતી.