Kosamba Murder Case - કોસંબામાં ટ્રોલી બેગમાં મળી યુવતીની લાશ, પતિ અને બાળક ગાયબ થતા રહસ્ય ઘેરાયુ
Surat Kosamba Murder Case: સુમસામ વિસ્તારમાં એક લાવારિશ બેગની સૂચના પર જ્યારે પોલીસ ઘટના સ્થળ પહોચી તો અધિકારી ઘટના સ્થળની સ્થિતિ જોઈને સમજી ગયા. પોલીસ અધિકારીએ જ્યારે ટ્રોલી બેગ ખોલાવડાવી તો તેમા એક યુવતીની હાથ-પગ વાળીને ઠુંસેલી લાશ જોવા મળી. સૂરતના કોસંબા વિસ્તારમાં આ ઘટનાથી સનસની ફેલાઈ ગઈ. પોલીસે યુવતીની ડેડબોડીની વીડિયોગ્રાફી કરાવ્યા બાદ તેને સુરક્ષિત મુકી દીધી છે. પોલીસ યુવતી વિશે શોધખોળ કરી.
મૃત યુવતીની વય 25 વર્ષની
સુરત ડીસીપી રાજેશ ગઢિયાના જણાવ્યા અનુસાર, આ સનસનાટીભરી ઘટના માંગરોળ તાલુકાના કોસંબા નજીક બની હતી, જ્યાં એક યુવતીનો મૃતદેહ બંધ બેગમાંથી મળી આવ્યો હતો. ગઢિયાએ જણાવ્યું હતું કે કોસંબા અને તરસાલી ગામોને જોડતા પુલ નીચે એક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે સ્થળે લાશ મળી આવી હતી ત્યાં ખોદકામ ચાલી રહ્યું હતું. ત્યાં હાજર સ્થાનિક લોકોએ બેગમાં કંઈક જોતાં પોલીસને જાણ કરી હતી. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બેગમાં મૃત હાલતમાં મળેલી મહિલાની ઉંમર આશરે 25 વર્ષની છે.
પોલીસને યુવતીના મોંઢા અને માથાના ભાગે લોહીના નિશાન મળી આવ્યા છે, જોકે શરીર પર અન્ય કોઈ ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા નથી. યુવતીનું મોં કાળું પડી ગયું હોવાથી, તેની હત્યા શ્વાસ રૂંધીને (મોં દબાવીને) કરવામાં આવી હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ હત્યાના પ્રકરણમાં ઘટનાસ્થળથી માત્ર 500 ફૂટ દૂર આવેલું અંબિકા નગરનું તિવારી બિલ્ડિંગ તપાસનું કેન્દ્ર બન્યું છે. પોલીસને શંકા છે કે આ બિલ્ડિંગના પહેલા માળે દાદરની બાજુમાં રહેતું એક પરપ્રાંતિય દંપતી અને તેમનું ત્રણ વર્ષનું બાળક ઘટના બાદથી ગાયબ છે. સ્થાનિકોમાં ચાલતી ચર્ચા મુજબ, રવિવારના રોજ બપોરે અને ત્યારબાદ મોડી રાત્રે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાયબ પતિનું નામ રવિ છે અને તેણે જ પત્નીની હત્યા કરીને તેની લાશને ટ્રોલીબેગમાં ભરીને ખાડામાં ફેંકી દીધી હોવાની પ્રબળ શંકા છે. કારણ કે પોલીસે એ વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કરતા રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ પતિ ટ્રોલી બેગ લઈને જતો જોવા મળ્યો હતો. પોલીસ હાલ વધુ તપાસ કરી રહી છે.