સુરતમાં બુટલેગરનો બાતમી આપવાની શંકામાં કર્યું ફાયરિંગ- એક વિદ્યાર્થીનું મોત, બેને ઇજા

Last Modified શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (11:06 IST)
હાલમાં ગુજરાતને કહેવાતી દારૂબંધી બાબતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મોટી મોટી વાતો કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ ગુજરાતના બુટલેગરો વિજય રૂપાણીને સતત ખોટા પાડી રહ્યા હોય તેવો વધુ એક બનાવ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે બન્યો છે. જેમાં બુટલેગરે પોતાનો દારૂ પકડાવવા માટે જવાબદાર વ્યક્તિઓની શંકા રાખીને આડેધડ ગોળીબાર કર્યો હતો. સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર બુટલેગરે પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વિદ્યાર્થી અને બે વ્યક્તિઓને ગોળીઓ વાગી હતી.
મૂળ ઓડીસાના અને હાલ જોળવા આરાધના ડ્રિમ સોસાયટી ખાતે રહેતા મોહન પરસોત્તમ પરિડા વિદેશી દારૂનો ધંધો કરે છે. તેને બન્નો માલિયો નામના બુટલેગર સાથે જૂની અદાવત હતી. બન્નો પણ હાલ જોળવામાં જ રહે છે. બે દિવસ અગાઉ બન્નો અને મોહન વચ્ચે ઝઘડો થયો હતો. જે બાબતે અદાવત રાખી બન્નાએ સુરતથી ભાડૂતી માણસો મંગાવ્યા હતા. મોહન તેની હોટલ પર હાજર હતો ત્યારે જયેશ, કુંનો, વિકી, ભગવાન સહિતના અન્ય દસથી પંદર માણસો સાથે મોહનની હોટલ પર પહોંચી ગયા હતા અને મોહન કઈ સમજે તે પહેલાં તેના પર આ ટોળકીએ ત્રણ તમંચા વડે આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

આ દરમ્યાન મોહનને બંને પગના સાથળના ભાગે તેમજ પેટના ભાગે ગોળી વાગી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે રોડ પરથી પસાર થતાં રોશન રાઠોડ નામના વિદ્યાર્થીને ગોળી વાગી જતા તેનું મોત નિપજ્યું હતું. અને અન્ય બે વ્યક્તિઓને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જ્યાં પીડિત યુવકોના સગા સંબંધીઓ અને મિત્રો બૂટલેગરો પર આરોપ લગાવી રહ્યા હતા કે અમારે બુટલેગરના દારૂ પકડાવાની ઘટના સાથે કોઈ લેવા દેવા નથી તેમ છતાં અમારા પર હુમલો થયો. ગોળીબારમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થી કોલેજના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. બુટલેગરે મૃત્યુ પામનાર અને ઈજાગ્રસ્તોને રસ્તા વચ્ચે ઊભા રાખીને ગોળીઓ ચલાવી હોવાનો દાવો પીડિત પરિવાર કરી રહ્યો છે.
આ ઘટના બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી હજુ પણ બીજા રાજ્યોની વાતો કરશે કે પછી પોતાના જ ગૃહ રાજ્ય ની ચિંતા કરશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી પર સતત આરોપો થઈ રહ્યા છે કે તેઓ એક પણ નિર્ણય દિલ્હી દરબાર ની સૂચના વગર જાતે લઈ શકતા નથી.


આ પણ વાંચો :