શનિવાર, 18 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ન્યુઝ|
Last Modified: બુધવાર, 18 સપ્ટેમ્બર 2019 (12:25 IST)

અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સામે સુરત કોર્ટનું ધરપકડ વૉરંટ

Surat news Sunanda shetty Arrest warrant
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સામે સુરતની કોર્ટે ધરપકડ વૉરંટ ઇશ્યૂ કર્યું છે. ઘણા લાંબા સમયથી ચાલી રહેલા પ્રફુલ્લ સાડી પ્રકરણમાં અનેક ટકોર છતાં હાજર ન રહેવા બદલ કોર્ટે સુનંદા શેટ્ટી સામે ધરપકડ વૉરંટ કાઢ્યું છે. 16 વર્ષ જૂના કેસની વાત કરીએ તો 2003માં પ્રફૂલ્લ સાડીના માલિક શિવનારાયણ અગ્રવાલે ઉમરા પોલીસ મથકમાં શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી અને તેના પિતા સુરેન્દ્ર શેટ્ટી સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રફૂલ્લ સાડીના માલિકની ફરિયાદ પ્રમાણે 2003માં તેમણે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પાસે એક એડ ફિલ્મ કરાવી હતી. આ માટે શિલ્પા શેટ્ટીને નક્કી કરેલી ફી પણ ચુકવી દેવામાં આવી હતી. ફરિયાદ પ્રમાણે એડ ફિલ્મના પ્રસારણને લઈને કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી ન હતી. જોકે, સમય જતાં શિલ્પાની માતાએ સાડીના માલિક પાસેથી રૂ. બે લાખની માંગણી કરી હતી. આ રકમ નક્કી કરવામાં આવેલી રકમ ઉપરાંતની હતી. શિવનારાયણના જણાવ્યા પ્રમાણે બે લાખની માંગણી બાદ શિલ્પાની માતાના કહેવાથી ગેંગસ્ટર ફઝલુ રહેમાન તેમને ખંડણી માટે ધમકી આપી હતી. આ સાથે જ તેમને જીવથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે સહઆરોપી બનાવાયેલા લોકો નિયમિત કોર્ટમાં હાજર રહે છે. જ્યારે સુનંદા શેટ્ટીને છેલ્લા ચાર વખત હાજર રહેવાનું ફરમાન હોવા છતાં તેઓ હાજર રહ્યા નથી. આ મામલે મંગળવારે કોર્ટે સુનંદા શેટ્ટી સામે બિનજામીનપાત્ર  વૉરંટ કાઢ્યું છે. આ કેસમાં વધુ સુનાવણી 30મી સપ્ટેમ્બરે થશે.