બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 18 સપ્ટેમ્બર 2019 (12:22 IST)

રાજકોટમાં અફઘાનિસ્તાનના યુવક સાથે પોલીસનું ગેરવર્તન, લોકોમાં રોષ

ટ્રાફિકના નવા નિયમને કારણે શહેરીજનો ત્રસ્ત થઇ ગયા છે. વાહન પર નીકળનાર શહેરીજનો પોલીસના ભયથી થરથરી રહ્યા છે, ટાર્ગેટ પૂરા કરવાની લહાયમાં પોલીસ ભાન ભૂલી હોય તેમ વિદેશી નાગરિકો સાથે પણ માથાકૂટ કરી રહી છે. કાયદાનું પાલન દરેકે કરવું જોઇએ, પરંતુ વિદેશમાં આપણી બદનામી થાય તેવું વર્તન થવું ન જોઇએ. કેકેવી ચોકમાં પીએસઆઇએ વિદેશી યુવક સાથે માથાકૂટ કરી ગેરવર્તન કરતા દેકારો મચી ગયો હતો. અફઘાનિસ્તાનનો  યુવક ત્રણેક દિવસથી રાજકોટ આવ્યો હતો અને મંગળવારે સાંજે કોઇનું એક્ટિવા ચલાવી કાલાવડ રોડથી મહિલા કોલેજ તરફ જતો હતો અને કેકેવી ચોક પાસે પહોંચ્યો હતો ત્યારે ત્યાં ફરજ પર રહેલા ટ્રાફિક શાખાના પીએસઆઇ ઝાલાની તેના પર નજર પડી હતી. વિદેશી યુવકે હેલ્મેટ પહેર્યું નહીં હોવાથી તેને અટકાવવામાં આવ્યો હતો. પીએસઆઇ ઝાલા હેલ્મેટ નહીં પહેરવાને કારણે વિદેશી યુવક પાસે ગુજરાતીમાં દંડ વસૂલવાની વાત કરી રહ્યા હતા, જ્યારે અફઘાની યુવક માત્ર અંગ્રેજી ભાષા જ જાણતો હતો. વિદેશી અને પીએસઆઇ વચ્ચેનો વાર્તાલાપ બંને સમજી શકતા નહોતા અને તે કારણે મામલો તંગ થઇ ગયો હતો, જેના પગલે લોકોના ટોળાં પણ એકઠાં થઇ ગયા હતા. ટોળામાં હાજર લોકોમાં ચર્ચાતું હતું કે, મામલો તંગ થતાં પીએસઆઇ ઝાલાએ વિવેક ગુમાવ્યો હતો અને કોઇપણ સંજોગોમાં સ્થળ પર દંડ વસૂલવાની જીદ પકડી યુવક પર દબાણ કરતા વિદેશી યુવકની હાલત કફોડી બની હતી. અંતે કોઇ શિક્ષિત વ્યક્તિ વચ્ચે પડ્યો હતો અને તેણે વિદેશી યુવકને સમજાવતા તે યુવકે રૂ.500 દંડ ભર્યો હતો. લોકોએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, પોલીસ તેની ફરજ બજાવે તેમાં કોઇ વિરોધ હોય શકે નહીં, પરંતુ વિદેશી યુવક કાયદાથી અજાણ હતો ત્યારે તેની સાથે સારી રીતે વર્તન કરી તેને સમજાવીને કામગીરી કરવી જોઇએ. પરંતુ ફોજદાર ઝાલાએ ઉદ્ધતાઇ કરતા એ યુવક ગુજરાત અને ભારતની ખરાબ છાપ લઇને જાય તે વાત તમામ નાગરિકો માટે અસહ્ય હતી.