બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 6 માર્ચ 2020 (11:47 IST)

વડોદરાના ગુમ પરિવારના 5 સભ્યોના મળ્યા મૃતદેહ, 82 વર્ષના દાદાજીએ કર્યા અંતિમ સંસ્કાર

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયા બાદ લાપતા થયેલા વડોદરાના લાપતા બનેલા પરિવારના પાંચ સભ્યના મૃતદેહો આજે ચાર દિવસ બાદ ડભોઇના તેન તળાવ ગામ પાસે નર્મદા કેનાલમાંથી મળતાં આ કેસમાં ભારે ચકચાર મચી ગઇ છે. તો બીજી તરફ અનેક ગંભીર સવાલો પણ ઉદભવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે વડોદરાના નવાપુરાના વેપારી કલ્પેશ પરમાર પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા. પરંતુ તે દિવસથી જ આખો પરિવાર લાપતા થયો હતો. કેનાલમાંથી ડૂબેલી હાલતમાં કાર જોવા મળતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી. ફાયર બ્રિગેડે કારને બહાર કાઢતા પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળ્યા હતા. જા કે, કલ્પેશની પત્ની તૃપ્તિ લાપતા હતા  તૃપ્તીબેન લાપતા હતા, પરંતુ મોડીરાત્રે તેમનો પણ મૃતદેહ મળી આવ્યો હતો.  તો બીજી તરફ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે પણ હવે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
 
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેનાલમાંથી જે રીતે કાર અને તેની અંદરથી મૃતદેહો મળ્યા છે તેને જાતાં રાત્રિના અંધકારમાં કાર ચલાવવાનું જજમેન્ટ લેવામાં ભૂલ થવાથી કલ્પેશભાઈની કાર કેનાલમાં ખાબકી હોઈ શકે છે. પરંતુ આ મામલે હજી તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સાચા કારણો જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે, વડોદરાના નવાપુરાનો વેપારી કલ્પેશ પરમાર રવિવારે પત્ની તૃપ્તિ, માતા ઉષાબહેન તેમજ દીકરા અને દીકરીને લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવ્યો હતો. સાંજે કારમાં પરત વડોદરા જવા નીકળ્યા બાદ ભેદી રીતે ગુમ થઇ ગયો હતો.
 
પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ નહીં મળતા કલ્પેશના સાળાએ કેવડિયા પોલીસ મથકમાં જાણવાજાગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેવડિયા વિસ્તારના સવારથી સાંજ સુધીના સીસીટીવી ફુટેજની ચકાસણી કરતાં સાંજે ૭-૦૦ વાગ્યાની આસપાસ કેવડિયાથી વડોદરા તરફ જતી કાર દેખાઇ હતી. ત્યારબાદ ગુરૂવારે ડભોઇ પાસે નર્મદા કેનાલમાંથી કાર મળી આવી છે અને જેમાંથી 5 મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, પરિવારમાં તો શોકનો માહોલ છવાઇ ગયો હતો.