સ્વચ્છતા એપમાં અમદાવાદ પહેલાથી 5મા ક્રમે ફેંકાયું
સ્વચ્છતા એપનો ઉપયોગ કરવામાં અમદાવાદ પહેલા નંબર પરથી ચાર મહિનામાં પાંચમા નંબરે ફેંકાઈ ગયું છે. દેશના 700 શહેરોમાંથી આ રેન્કિંગ અપાય છે. બે મહિના પહેલા સ્વચ્છતા સર્વેક્ષણનું પરિણામ પણ હવે મેના પ્રથમ સપ્તાહમાં આવવાનું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ડિસેમ્બરમાં એપ શરૂ કરાઈ ત્યારે 28 હજાર અમદાવાદીઓએ એપ ડાઉનલોડ કરી હતી અને અમદાવાદ નંબર વન હતું. બીજા નંબરે કોરબા શહેર હતું અને ત્રીજા નંબરે નવસારી શહેર હતું. અત્યારે આ સ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે.
કુલ 5.58 મિલિયન વસ્તીમાંથી 1,16,494 અમદાવાદીઓએ સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી હતી. આમાંથી માર્ચથી એપ્રિલ મહિના દરમિયાન 94 હજાર જેટલા અમદાવાદીઓ એપનો ઉપયોગ જ કરતા નથી જ્યારે 21 હજાર યૂઝર્સ એક્ટિવ છે.અર્થાત્ આ 21 હજાર અમદાવાદીઓ કચરા અંગેની ફરિયાદો કરે છે અને તે અંગેના ફીડબેક આપે છે. અમદાવાદમાં સૌથી વધુ યૂઝર્સ છે પણ યૂઝર્સ એંગેજમેન્ટના આધારે માર્ક્સ અપાય છે. આપણે ત્યાં રોજે રોજ લોકો ફરિયાદ કરતા નથી પણ જ્યારે સમસ્યા હોય ત્યારે કરે છે. અન્ય શહેરોમાં ડાઉનલોડ કરનારા જ રોજે રોજ ફરિયાદ કર્યા કરે છે. જેના કારણે તેમનું રેન્કિંગ વધારે મળે છે. હેલ્થ ઓફિસરે કહ્યું કે, રેન્કિંગ કરતા મહત્વનું એ છે કે, વધુમાં વધુ લોકો એપ્લિકેશનનો ઉપયોગ કરે. અને પબ્લિક સુધી આ એપ પહોંચે તેવા તમામ પ્રયાસ કોર્પોરેશન દ્વારા જારી કરવામાં આવ્યા છે. નજીકના દિવસોમાં અમદાવાદ નંબર વન પર આવી જશે.