શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 ડિસેમ્બર 2021 (20:13 IST)

કેન્દ્ર સરકાર MSME ક્ષેત્રને તમામ સહાય કરશે, નારાયણ રાણેએ નિહાળી હાઈડ્રોજનથી ચાલતી ઈલેક્ટ્રિક કાર

કેન્દ્રના માઈક્રો, લઘુ અને મધ્યમ કદના એકમોના પ્રધાન નારાયણ રાણેએ શનિવારે જણાવ્યું હતું કે મહામારીમાં સપડાયેલા માઈક્રો, લઘુ અને મધ્યમ કદના એકમોને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર તમામ સહાય કરશે. પ્રધાને હેલીપેડ એક્ઝિબીશન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ચાલી રહેલા એન્જીનિયરીંગ અને મશીન ટુલ્સના પ્રદર્શન અને અદ્યતન એન્જિનિયરીંગ પ્રોડક્ટસ અને સર્વિસીસ રજૂ કરતા એન્જીમેક-2021ની મુલાકાત લીધી હતી. એન્જીમેક એ ગયા વર્ષે મહામારી પછી યોજાયેલો આ પ્રકારનો ભારતનો સૌથી મોટો શો છે. 
 
ગુજરાત એમએસએમઈ ક્ષેત્રે અગ્રણી હોવાની નોંધ લઈને તેમણે જણાવ્યું હતું કે "બે વર્ષ સુધી બધુ બંધ હતું. કેન્દ્ર સરકાર એમએસએમઈ ક્ષેત્ર માટે કટિબધ્ધ છે અને આ પ્રકારના બિઝનેસીસને શક્ય તેટલી તમામ સહાય પૂરી પાડશે."  તેમણે વધુમાં જણાવ્યું હતું કે "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનું સપનું સેવ્યું છે. દેશે તમામ ક્ષેત્રે ઝડપી પ્રગતિ કરી છે અને મને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રીનું સપનું અને વિઝન વાસ્તવિક બની રહેશે."
 
એમએસએમઈ પ્રધાને આધુનિક ગ્લોબલ ટેકનોલોજી ભારતમાં લાવવા બદલ એન્જીમેકના આયોજકોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે "આનાથી ઘણાં યુવાનોને ઉદ્યોગસાહસિક બનવાની પ્રેરણા મળશે અને ભારતના વિકાસમાં યોગદાન મળશે."
 
તેમણે હેલીપેડ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેની માળખાકિય સુવિધાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે "ભારતમાં આટલા મોટા એક્ઝિબીશન સેન્ટરનું નિર્માણ થયું છે તે ગૌરવની બાબત છે. તેમણે નોંધ લીધી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ એક્ઝિબીશન સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ આ સ્થળે વધુ પ્રદર્શનો લાવવા માટે પ્રયાસો કરશે."
 
એન્જીમેક ખાતેની તેમની મુલાકાત દરમ્યાન તેમણે પ્રદર્શનમાં મૂકાયેલી હાઈડ્રોજનથી ચાલતી ઈલેક્ટ્રિક કાર નિહાળી હતી. તેમણે જણાવ્યું હતું કે "આ બે ટેકનોલોજીસ દેશના બળતણની આયાતનું બિલ ઘટાડવામાં સહાયરૂપ બનશે." કે એન્ડ ડી કોમ્યુનિકેશન્સ લિમિટેડના ચેરમેન અને ડિરેક્ટર તથા એન્જીમેકના આયોજક શ્રી કમલેશ ગોહિલે જણાવ્યું હતું કે "એન્જીમેક-2021ને ભવ્ય સફળતા મળી છે. ભારત અને અન્ય દેશોની 400થી વધુ કંપનીઓ આ પ્રદર્શનમાં સામેલ થઈ છે. અમને વિશ્વાસ છે કે આ પ્રદર્શન એમએસએમઈ ક્ષેત્રને  ભારે વેગ પૂરો પાડશે."