અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં મોતને ભેટેલા ચાર ગુજરાતીઓના અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરાશે
ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં મહેસાણાના માણેકપુરા ગામના એકજ પરિવારના 4 લોકો મોતને ભેટ્યા છે. આ મૃતકોના પરિવારજનોએ એમના અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે પરિવારના બે સભ્યો કેનેડા જશે અને તેમને તાત્કાલિક વિઝા અને જરૂરી સહાય મળે તે માટે રાજ્યસભાના સાંસદ જુગલસિંહ લોખંડવાળાએ વિદેશમંત્રી એસ જયશંકરને લેખિતમાં રૂબરૂ મળીને રજૂઆત કરી છે.
વિદેશ મંત્રાલયે પણ આ માટે જરૂરી તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.માણેકપુરામાં રહેતા પ્રવિણભાઈ ચૌધરી, તેમના પત્ની દક્ષાબેન, પુત્ર મિત ચૌધરી અને પુત્રી વિધી ચૌધરી બે મહિના પહેલા વિઝીટર વિઝા પર કેનેડા ફરવા ગયા હતા. આ દરમિયાન કેનેડાથી અમેરિકા ગેરકાયદેસર જવા માટે તેઓ 31 માર્ચના રોજ એક્વાસાસ્ને વિસ્તારની સેન્ટ લોરેન્સ નદીમાં બોટમાં બેસીને જઈ રહ્યા હતા. આ દરમિયાન બોટ પલટી જતા તમામના મોતના સમાચાર આવ્યા હતા. તેમના મોતથી પરિવારમાં આઘાતનું મોજૂ ફરી વળ્યું હતું. છેલ્લા એક વર્ષમાં અમેરિકામાં ઘૂસણખોરી કરવાના અલગ અલગ બનાવમાં અત્યાર સુધી નવ ગુજરાતીઓ જીવ ગુમાવ્યા છે.માણેકપુરાના ચૌધરી પરિવારના આ ચાર સભ્યોની ઓળખ થઈ ગયા બાદ પરિવાર મૃતદેહને પરત લાવવા માંગતો હતો. પરંતુ મૃતદેહોને પરત લાવવાની પ્રક્રિયા લાંબી અને ખર્ચાળ હોવાથી સૌલોકોની સહમતીથી તેઓના અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરવાનો પરિવારે નિર્ણય કર્યો હતો.આ માટે પીડિત પરિવારને જરૂરી તમામ મદદ મળી રહે તેમાટે ચૌધરી સમાજના આગેવાનોએ કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. એક તરફ ગેરકાયદેસર અમેરિકામાં આ લોકોને લઈ જવા માટે લાખ રૂપિયાની ડિલ થઈ હોવાની વાત પણ સામે આવી છે. પોલીસ તપાસમાં વધારે વિગતો બહાર આવશે તેવું માનવમાં આવી રહ્યું છે.