સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 મે 2021 (17:20 IST)

સુરતમાં પત્નીએ 3 ડમી અકાઉન્ટ્સથી પતિના બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા

સુરતમાં ભટાર રોડ પર રહેતા વેપારીના બીભત્સ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકી આપવાના કેસમાં વેપારીની પત્ની જ આરોપી નીકળી છે. વેપારીની પત્નીએ ગુસ્સામાં આવી બીભત્સ ફોટોગ્રાફ મૂક્યા હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું છે. વેપારીની પત્ની રિંકુનો પતિ જોડે ઝઘડો ચાલતો હતો, જેને કારણે પિયરમાં ચાલી ગઈ હતી. વાત છૂટાછેડા સુધી પહોંચતાં પત્નીએ ગુસ્સો કાઢવા મોબાઇલથી સોશિયલ મીડિયા પર 3 બોગસ અકાઉન્ટ બનાવી પતિના બીભત્સ ફોટોગ્રાફ સાથે મેસેજ લખી પતિને સેન્ડ કર્યા હતા. પતિ ફોટોગ્રાફ અને મેસેજ જોઇ ચોંક્યો હતો. વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી ત્યારે પત્ની સામે શંકા વ્યક્ત કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે વેપારી જોડે રિંકુના લગ્ન 5 વર્ષ પહેલાં થયા હતા, પણ અણબનાવને કારણે ઝઘડો થતો હતો, જેને કારણે પત્ની 3 વર્ષથી પિયરમાં રહે છે. વેપારીની પત્ની એટલી ચાલાક હતી કે તેણે ત્રણેય બોગસ અકાઉન્ટ્સ બીજાનાં નામે બનાવ્યાં હતાં, જેમાં રાજા નામથી અકાઉન્ટ બનાવી પતિના ફોટોગ્રાફ અને મેસેજ ખુદ પતિને મોકલ્યા હતા. એવી જ રીતે દીક્ષિત અને હિતાંશ નામથી બોગસ અકાઉન્ટ બનાવી મેસેજ અને ફોટોગ્રાફ વેપારીને મોકલ્યા હતા. બીભત્સ ફોટોગ્રાફ વેપારીને મોકલી તેને સોશિયલ મીડિયા પર મોકલી દેવાની ધમકી પણ આપી હતી, જેથી વેપારી બદનામ થઈ જાય એ માટે વધારે ગભરાતો હતો, આથી તેણે પોલીસની મદદ લીધી હતી.