ગુજરાતમાં હાલમાં ત્રણ આંદોલન ખૂબ જ ચર્ચામાં છે. વાઈટ કોલર જોબ કરનારા ડોક્ટર, શિક્ષક તેમજ પ્રોફેસરોએ પોતાની માગ સાથે સરકાર સામે લડત શરૂ કરી છે. આ ત્રણેય આંદોલનની સૌથી મોટી અસર દર્દીઓ તેમજ વિદ્યાર્થીઓ પર પડી રહી છે. ડોક્ટર આંદોલનને પગલે દર્દીઓને સમયસર સારવાર નથી મળતી તો શિક્ષક-પ્રોફેસરની લડતમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખરાબ અસર પડી રહી છે. 
				  										
							
																							
									  નાયબ મુખ્યમંત્રી નીતિન  પટેલે રાજયની સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડેન્ટ ડૉકટર્સની ચાલી રહેલ હડતાળને તદ્દ્ન ગેરવાજબી જણાવી કહ્યું કે, કોઇપણ યોગ્ય કારણો વગર હડતાળ કરીને દર્દીઓને હાલાકી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમામ તબીબો દર્દીઓની સેવા કરવી તે પોતાની નૈતિક ફરજ છે તેમ સમજીને બિનશરતી હડતાળ પાછી ખેચીને તેમને સોંપાયેલ ફરજના સ્થળે તાત્કાલિક હાજર થઇ જાય. તેમને પરિવાર સાથે રહેવું હશે, તો હાજર થયા બાદ વિનંતીની અરજી કરશે તો સ્થળ બદલવા અંગે શક્ય હશે એટલો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરાશે. રેસીડેન્ટ તબીબોના યોગ્ય પ્રશ્નો સંદર્ભે ડીન કક્ષાના અધિકારીઓની કમિટી રચી તેમની માંગણીઓ જે વ્યાજબી હશે, તે અંગે ચર્ચા-વિચારણા કરી યોગ્ય નિર્ણય કરાશે.
				  
	 
	તેમણે ઉમેર્યુ કે, રેસીડેન્ટ તબીબોની હડતાલના કારણે  રાજ્યના નાગરિકોને અપાતી આરોગ્યલક્ષી સેવાઓમાં કોઇ અસર પહોંચી નથી. ઇન્ડોર-આઉટડોર અને ઓપરેશનની સુવિધાઓ રાબેતા મુજબ ચાલુ છે. પી.જી.તબીબો માટેની પરીક્ષાઓ રાજકોટ, ભાવનગર, જામનગર ખાતે ની યુનિવર્સિટીઓમાં સમયસર લેવાઇ ગઇ હતી, એટલે આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આવો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થયો નથી. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	પરંતુ અમદાવાદની બી.જે.મેડીકલ કોલેજ સહિત અન્ય યુનિવર્સિટીની પરીક્ષાઓ થોડી મોડી યોજાતાં આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જેના પરિણામે અમદાવાદ સહિત રાજ્યના માત્ર ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રશ્ન ઉપસ્થિત થયો છે જેને ખોટી રીતે મોટુ સ્વરૂપ આપીને નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે, તે અત્યંત ગેરવાજબી છે. તેમણે એમ.બી.બી.એસ. અને ઇન્ટર્નશીપ કરતાં વિદ્યાર્થીઓને આ તબીબોની વાતોમાં આવીને પોતાની કારકિર્દીને નુકશાન ન થાય તે જોવા પણ અપીલ કરી છે.
				  																		
											
									  
	 
	તેમણે ઉમેર્યુ કે, આજે રેસીડેન્ટ તબીબોની માગણીઓ સંદર્ભે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, અધિક નિયામક-તબીબી શિક્ષણ અને સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તમામ સરકારી મેડીકલ કોલેજના ડીનઓ અને સુપ્રિટેન્ડેન્ટઓ સાથે લંબાણપૂર્વક રૂબરૂ તથા વર્ચ્યુઅલ ચર્ચા કરવામાં આવી હતી. 
				  																	
									  
	 
	જો રેસીડેન્ટ તબીબો તેમની હડતાલ બિન-શરતી પાછી ખેંચશે તો તેમના વાજબી પ્રશ્નો માટે ડીન તથા અન્ય નિષ્ણાંત તબીબી શિક્ષકો, અધિકારીઓની પાંચ સભ્યોની કમિટી રચવાનો નિર્ણય કરાયો છે. આ કમિટી સમક્ષ રેસીડેન્ટ તબીબો પ્રશ્નો રજુ કરી શકશે અને કમિટી યોગ્ય ચર્ચા-વિચારણા બાદ તેનો અહેવાલ રાજ્ય સરકારને રજુ કરશે. આ પ્રશ્નો જે વાજબી હશે તે માટે રાજ્ય સરકાર તેના નિકાલ માટે ચોક્કસ વિચારણા કરશે.
				  																	
									  
	 
	તેમણે વધુમાં જણાવ્યું કે, રેસીડેન્ટ તબીબોને સી.એચ.સી અને જિલ્લા- તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં સેવા માટે જે હુકમો કરાયા છે ત્યાં સેવાઓમાં જોડાઈ જવું જોઈએ અથવા ચોથા વર્ષ માટે સીનીયર રેસીડેન્ટ તરીકે જે તે કોલેજમાં જોડાઇ શકે છે. રાજ્ય સરકારની બોન્ડ નીતિ સ્પષ્ટ છે, જેમાં સ્નાતક તેમજ અનુસ્નાતક વિધાર્થીઓને પ્રવેશ સમયે આપેલ બોન્ડની શરતો મુજબ એક વર્ષ / ત્રણ વર્ષની ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ આપવાની થાય છે. આ વિધાર્થીઓ સરકારી મેડીકલ કોલેજ ખાતે પ્રજાનાં જ નાણાં થકી બિલકુલ નજીવી ફી થી અભ્યાસ મેળવે છે. ત્યારબાદ આ અભ્યાસક્રમ પૂર્ણ થયેથી રાજયના છેવાડાનાં નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ આપવી તેઓની ફરજ છે એટલે બોન્ડનો જે વિરોધ કરે છે એ વ્યાજબી નથી.
				  																	
									  
	 
	તેમણે ઉમેર્યુ કે, તાજેતરમાં કોવિડની પરિસ્થિતિમાં જે રેસીડેન્ટ તબીબોએ પોતાની સેવાઓ આપેલ છે તેમના બોન્ડમાં રાજ્ય સરકારની જે નીતિ છે તે મુજબ જેટલો સમયગાળો કોવિડમાં ફરજો બજાવી હશે તેટલો સમયગાળો બોન્ડમાંથી મુક્તિ આપવાની જે નીતિ છે તે મુજબ પણ મોટાભાગના તબીબોને લાભ આપી કોરોનામાં કરેલી સેવાઓને બિરદાવી છે.
				  																	
									  
	 
	તેમણે કહ્યુ કે,તબીબી સેવા એ સમાજની એક ઉમદા સેવાવિષયક વ્યવસાય છે. આ હડતાળ ગેરકાયદેસર તથા કોઇપણ પ્રકારના કારણો સિવાયની છે. ત્યારે આ રેસીડેન્ટ તબીબો પોતાની નૈતિક ફરજ સમજીને ગુજરાતની પ્રજાને આરોગ્ય વિષયક સેવાઓ આપી તેમના સરકારે નિયત કરેલા ફરજના સ્થળે તાત્કાલિક હાજર થઇ જાય તેવી પુન: અપીલ કરી હતી.
				  																	
									  
	વિવિધ પડતર પ્રશ્નોને લઈને ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરાવતા શિક્ષકો આંદોલનના માર્ગે ઊતર્યા છે. અગાઉ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતાં શિક્ષકોએ સોશિયલ મીડિયા પર 1 ઓગસ્ટથી આંદોલન શરૂ કર્યું હતું, 7 ઓગસ્ટ સુધી ચલાવવામાં આવ્યું હતું. આંદોલનમાં 50 હજાર જેટલા શિક્ષકો જોડાયા હતા. રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના મહામંત્રી આર.પી. પટેલે જણાવ્યું હતું કે આંદોલનના પ્રથમ દિવસે 5 હજાર કરતાં વધુ સેલ્ફી અને પોસ્ટ મળી હતી. આગામી દિવસોમાં મોટી સંખ્યામાં શિક્ષકો પોતાના ફોટોગ્રાફ મોકલશે. સમગ્ર રાજ્યના ચાર ઝોન અને દરેક જિલ્લામાં કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે, જેને કારણે વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. આંદોલન પછી પણ સરકાર દ્વારા શિક્ષકોને બોલાવવામાં નહીં આવે તો આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.