સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સુરત , શનિવાર, 30 ડિસેમ્બર 2023 (13:13 IST)

સુરતમાં રખડતા શ્વાનનો આતંક, સવાર સવારમાં બાળકથી લઈ આધેડ વયના લોકોને બચકાં ભર્યાં

The terror of stray dogs in Surat
The terror of stray dogs in Surat
 શહેરમાં આજે અલગ અલગ વિસ્તારમાં એક પછી એક 10 જેટલા લોકો રખડતાં શ્વાનનો ભોગ બન્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી 10 જેટલા લોકો રસી મૂકાવવા માટે આવ્યા હતા. અન્ય ડોઝ લેવા પણ લોકો આવતા રસી લેવા લાઈન લાગી ગઈ હતી. બાળકથી લઈ આધેડ વયના લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભર્યા છે. પાંડેસરા વિસ્તારમાં 14 વર્ષીય ગણેશ કહારને શ્વાન કરડ્યુ હતું. તાત્કાલિક તેને લઈને પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. જ્યાં બાળકની સારવાર તબીબોએ કરી હતી.
 
એન્ટી રેબિસ રસી મૂકીને સારવાર આપવામાં આવી
સુરત સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી જ કૂતરા કરડ્યાના 10 જેટલા કેસ નોંધાયા છે. બાળકોથી લઈને આધેડ સુધીના કૂતરાએ બચકા ભરતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તબીબો દ્વારા એન્ટી રેબિસ રસી મૂકીને સારવાર આપવામાં આવી હતી. જ્યારે આ સાથે અન્ય ડોઝ પણ લેવા લોકો આવતા લાઈન લાગી ગઈ હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા ખસીકરણ અને રસીકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાં શ્વાનનો આતંક ઘટવાનું નામ લઈ રહ્યો નથી. 
 
પાલિકા દ્વારા પણ પ્રયત્નો નક્કર કરવામાં આવે તેવી માંગ
સિવિલ હોસ્પિટલમાં રોજ 20થી 25 કેસો ડોગ બાઈટના નોંધાઈ રહ્યા છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા પણ પ્રયત્નો નક્કર કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યાં છે. સિવિલ સુપરિટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, આજે અત્યારસુધીમાં 30 કેસ આવ્યા છે જેમાં નવા 10 જેટલા કેસ છે. કૂતરાઓ ઝૂંડમાં હોય ત્યારે બાળકો પર હુમલો કરતા હોય છે. સિવિલમાં ટ્રોમા સેન્ટરમાં ખાસ શ્વાનથી કરડવાના જે કેસો આવે છે એના માટે અલગ જ જગ્યા બનાવવામાં આવી છે. જ્યાં ઇન્જેક્શન અને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.