ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 28 નવેમ્બર 2021 (08:39 IST)

આગામી પાંચ વર્ષમાં શાળા શિક્ષણક્ષેત્રે 10 હજાર કરોડ ખર્ચ કરાશે: ભૂપેન્દ્ર પટેલ

મિશન સ્કુલ ઓફ એક્સલન્સ”માં વર્લ્ડ બેન્કે 500 મિલિયન ડોલર ફન્ડિંગ કર્યું મંજૂર

ગુજરાત સરકારના શિક્ષણક્ષેત્રે અતિ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ “મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ”ના ક્ષેત્રે થયેલી કામગીરી અને પ્રગતિની સમીક્ષા તેમજ ગુજરાત ના   આ પ્રોજેક્ટ ને બેસ્ટ પ્રેક્ટિસિસ તરીકે દેશમાં અને વિશ્વમાં અન્ય સ્થાનોએ પ્રસ્તુત કરી શકાય તેના  માર્ગદર્શન માટે રાજ્યની મુલાકાતે વર્લ્ડબેન્ક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બેન્ક – AIIB ની આંતરરાષ્ટ્રીય ટીમ આવેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ટીમના તજજ્ઞોએ ગાંધીનગરમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રી કિર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી. 
 
સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સ્પર્ધાત્મક અને માળખાકીય રીતે શ્રેષ્ઠ બનાવવા તેમ જ બાળકો માટે સ્માર્ટ ક્લાસ રુમ, સ્ટેમ લેબ જેવી અદ્યતન ભૌતિક સુવિધા આપવા આ મિશન સ્કુલ ઓફ એક્સેલન્સ હાથ ધરવામાં આવેલું છે. આ પ્રોજેક્ટ અન્વયે આગામી પાંચ વર્ષમાં શાળા શિક્ષણ ક્ષેત્રે રુ. 10,000 કરોડ ખર્ચ કરવામાં આવશે. વર્લ્ડ બેંક દ્વારા 500 મિલિયન ડોલરના ફંડીગને મંજૂરી આપવામાં આવી છે અને સમગ્ર પ્રોજેક્ટને ઈફેક્ટીવ જાહેર કરાયો છે.
 
એટલું જ નહીં, વર્લ્ડ બેન્ક વધારાના 250 મિલિયન ડોલર માટે કાર્યવાહી કરી રહ્યું છે આમ વર્લ્ડ બેંકના 750 મિલિયન ડોલર આ પ્રોજેક્ટમાં મળશે. એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક – AIIB સાથે 250 મિલિયન ડોલર ફંડિંગ મેળવવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. સમગ્રતયા કુલ 1 બિલિયન ડોલરનું ફંડિંગ મેળવવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં કોઈ રાજ્યમાં સોશિયલ સેક્ટર માટેનો અત્યાર સુધીમાં વર્લ્ડ બેન્ક સહાયિત આ મોટોમાં મોટો પ્રોજેક્ટ છે. AIIB વિશ્વમાં પ્રથમવાર શિક્ષણક્ષેત્રનો પ્રોજેક્ટ એક માત્ર ગુજરાત સાથે કરી રહી છે.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતામાં આ “મિશન સ્કુલ ઓફ એક્સલન્સ” પ્રોજેક્ટ બળ પુરુ પાડશે. તેમણે આ પ્રોજેક્ટમાં સહાય માટે વર્લ્ડ બેન્ક અને AIIB નો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
 
વર્લ્ડ બેન્કના કન્ટ્રી ડાયરેક્ટર જુનેદ કમાલે મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતની શિક્ષણ પદ્ધતિ અને રાજ્ય દ્વારા લેવામાં આવી રહેલા શૈક્ષણિક સુધારણાના પગલાઓ તથા ખાસ કરીને કોવીડ દરમિયાન થયેલી કામગીરીથી ખૂબ પ્રભાવિત થયા છે. ગુજરાતના આ મોડેલને સ્ટડી કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રદર્શિત કરશે. આગામી સમયમાં વર્લ્ડ બેંક વિશ્વ કક્ષાની એક કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે. ત્યારે આ કોન્ફરન્સના વિશ્વભરમાથી આવનાર પ્રતિનિધિઓને તેઓ ગુજરાતની મુલાકાતે લાવશે. વર્લ્ડ બેંક માટે ગુજરાત ખૂબ મહત્વનું પાર્ટનર છે. અને આ પાર્ટનરશીપ વધુ ને વધુ આગળ વધારવાની ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી. 
 
AIIB  ના ડાયરેક્ટર જનરલ કીમ હુનએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા વિશ્વમાં સર્વપ્રથમ વખત શિક્ષણક્ષેત્રે ફન્ડિંગ આપવામાં આવી રહ્યું છે. અને આ ફંડ ગુજરાતની શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિઓ અને ક્ષમતા જોઈને આપવામાં આવી રહ્યુ છે. આગામી ૫ થી ૬ વર્ષમાં આ “મિશન સ્કુલ ઓફ એક્સલન્સ” દ્વારા એક કરોડ જેટલા વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે.
  
ગુજરાતમાં  આના  પરિણામે પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત બનશે. “મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ”એ રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રકારનો મોટા પાયે શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે હાથ ધરવામાં આવેલ દેશનો સર્વ પ્રથમ પ્રોજેક્ટ છે તે સમગ્ર દેશ માટે દિશાસૂચક સાબિત થશે. 
 
“મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ” અંતર્ગત આગામી બે તબક્કામાં આગામી ૧૫૦૦ દિવસમાં ૧૫,૦૦૦ મોટી પ્રાથમિક શાળાઓ અને ૫,૦૦૦ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક મળીને કુલ ૨૦,૦૦૦ શાળાઓને સર્વાંગી રીતે અપગ્રેડ કરવામાં આવનાર છે. આ ૨૦,૦૦૦ એટલે કે આશરે ૫૦ ટકા શાળાઓમાં હાલ ૪૦ લાખ વિદ્યાર્થીઓ એટલે કે કુલ બાળકો પૈકી ૮૦ ટકા વિદ્યાર્થીઓ ભણે છે. અને તે વદીને આવતા પાંચ વર્ષમાં ૪૫ લાખ (૯૦ ટકા) સુધી પહોંચી શકે છે.
 
“મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ” અંતર્ગત સ્કૂલ ટ્રાન્સફોર્મેશન -  સ્કૂલ ટ્રાન્સફોર્મેશન અન્વયે તમામ પસંદ થયેલા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં Civil Infrastructure, Digital Infrastructure, Smart Classrooms, Computer Labs, STEM Labs, Language Lab, Online Assessments, Remedial Classes, Holistic Education સ્કૂલ જેવા અનેક આયોજનબદ્ધ કામગીરી થકી અપ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આગામી ૫ થી ૬ વર્ષમાં એક કરોડ જેટલા વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે. અને ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણના પાયા મજબૂત બનશે.
 
સિસ્ટમ ટ્રાન્સફોર્મેશન – સિસ્ટમ ટ્રાન્સફોર્મેશન અંતર્ગત SSA, GCERT, STTI, GSHSEB, GIFT, Text book Board સહિત શિક્ષણ વિભાગ તમામ સંસ્થાઓને જોડીને શિક્ષકોના સતત તાલીમ અને મજબૂતીકરણ કરવામાં આવશે. અને accountability  સાથે ધોરણ પ્રમાણેની શૈજ્ઞણિક નિષ્પત્તિઓ( Grade Appropriate Learning Outcomes) સુનિશ્ચિત કરવામાં આવશે.
 
આ સમગ્ર પ્રોજેક્ટનું ઓનલાઈન રિઅલ ટાઈમ મોનીટરિંગ ગાંધીનગરમાં Artificial Intelligence અને  Machine Learning સહિત અદ્યતન ટેકનોલોજીયુક્ત Command and Control Centre for Schools ખાતેથી કરવામાં આવશે. આ માટે ખાસ સ્કૂલ એક્સલન્સ ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશમાં પ્રથમ પહેલ છે.
 
સમગ્ર પ્રોજેક્ટની જાણકારી શિક્ષણ સચિવ વિનોદ રાવ અને વર્લ્ડ બેન્કના ભારત ખાતેના એજ્યુકેશન સ્પેશિયાલિસ્ટ શબનમ સિંહ અને સાથેના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતમાં વર્લ્ડ બેન્કના કન્ટ્રી ડાયરેક્ટર નવી દિલ્હી તથા તેમના અન્ય પ્રતિનિધિઓ જાપાન, રશિયા, બેંગકોક, તાઈવાન અને AIIB ના અધિકારીઓ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.