1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 નવેમ્બર 2021 (15:10 IST)

ભૂજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કમલમ ફ્રૂટથી તોલવામાં આવ્યાં, બોક્સ ખોલ્યાં તો કમલમને સ્થાને કેળા નીકળ્યાં

Chief Minister Bhupendra Patel was weighed with lotus fruit.
કચ્છ જિલ્લામાં સપ્તાહ દરમિયાન બીજી વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવીને કચ્છ પ્રત્યે પોતાની લાગણી દર્શાવી છે. ત્યારે બુધવારે ભુજ ખાતે કચ્છ ભાજપ પ્રેરિત સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીની હજારોની મેદની સામે જાહેર મંચ પર કીમતી કમલમ ફ્રૂટ દ્વારા તુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના અગ્રણીઓ અને મુખ્ય આયોજકો સહિતના મોવડીઓએ આસપાસ ઊભા રહી હસતા ચહેરે ફોટો પણ પડાવ્યા હતા, પરંતુ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ મંચ પાસે રાખેલા કમલમનાં બોક્સ હોંશે હોંશે ખોલતાં એમાંથી કીમતી કમલમ ફ્રૂટને બદલે સસ્તા ભાવનાં કેળાં નીકળ્યાં હોવાનું સામે આવ્યું છે, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થયો છે.બુધવારે ભુજ ખાતે કચ્છ ભાજપ પ્રેરિત મુખ્યમંત્રીના સ્નેહમિલન કાર્યક્રમમાં શુભેચ્છાઓની આપ-લે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કમલમ ફ્રૂટ દ્વારા અગ્રણી સમૂહ દ્વારા તુલા કરવામાં આવી હતી.

કાર્યક્રમ પૂરો થયા બાદ રૂ. 100ના કિલો ભાવે વેચાતા કમલમ ફ્રૂટના સ્થાને ઉપરના એક બોક્સ સિવાયનાં અન્ય બોક્સમાંથી કેળાં નીકળ્યાં હતાં, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતાં ખુદ મુખ્યમંત્રી સાથે આ રીતની છેતરપિંડી થતી હોય તો આમ પ્રજાનું શું ગજું, એવા પ્રશ્નો લોકમાનસમાં ઊભા થવા પામ્યા છે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં દરેકની બારીકાઈથી તપાસ થતી હોય છે. મીડિયાકર્મીઓના કેમરા બેગ પણ તંત્ર દ્વારા તપાસ થતી હોય ત્યારે કમલમના સ્થાને કેળાં આવી જવા પણ મોટી બેદરકારી ગણી શકાય. આ વિશે ભાજપ આગેવાનોની પ્રતિક્રિયા માટે સંપર્ક કર્યો હતો, પણ એ નિરર્થક નીવડ્યો હતો.