રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (21:34 IST)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરિય બેઠક યોજી રાજ્યમાં વરસાદ અને પવનની ગતિને કારણે સર્જાયેલી સ્થિતીની કરી સમીક્ષા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદી સ્થિતી અને પવનની ગતિને કારણે સર્જાયેલી હળવા દબાણની પરિસ્થિતીની સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. તેમણે ખાસ કરીને પોરબંદર, જુનાગઢ, ભાવનગર, અમરેલી ભરૂચ સહિતના વિસ્તારોમાં થયેલા વ્યાપક વરસાદ અને ઝડપી પવનથી કોઇ મોટું નુકશાન કે જાનહાનિ ના થાય તે માટેની સંબંધિત જિલ્લા તંત્રો અને રાજ્ય સરકારના વિભાગોની સજ્જતા સતર્કતા અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી હતી.
 
મુખ્યમંત્રીએ પોરબંદર અને જુનાગઢ જિલ્લાના કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોના લોકોની સ્થિતી, જરૂર જણાયે સલામત સ્થળે સ્થળાંતર કરવાના કિસ્સાઓમાં આશ્રયસ્થાન તેમજ ભોજન પ્રબંધ, પવનની ગતિ વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, મહેસૂલના અધિક મુખ્ય સચિવ કમલ દયાની તેમજ માર્ગ-મકાન સચિવ સંદીપ વસાવા અને એન.ડી.આર.એફ ના મત્સ્યોદ્યોગ, રાહત કમિશનર ગૃહ સચિવ વગેરે આ બેઠકમાં જોડાયા હતા.
ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાકાંઠાના પ્રવાસન સ્થળો-બિચ ઉપર કોઇ પર્યટક-પ્રવાસી ન જાય તે માટે તેમજ દરિયામાં માછીમારી માટે ગયેલા સાગરખેડૂઓ સલામત પરત આવી જાય તે માટે જરૂરી સૂચનાઓ અને પ્રબંધ કરવા પણ બેઠકમાં સૂચનો કર્યા હતા. રાજ્યમાં અત્યારની સ્થિતીએ સૌરાષ્ટ્રના ૯ જિલ્લાઓમાં એન.ડી.આર.એફ.ની ૧૮ ટિમ સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહિ તૈનાત કરવામાં આવી છે તેમજ બે ટિમ સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવી છે તેની વિગતો પણ મુખ્યમંત્રીએ મેળવી હતી