રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 31 જુલાઈ 2022 (16:54 IST)

લમ્પી વાયરસથી 17 જિલ્લામાં અત્યાર સુધીમાં 1,200 થી વધુ પશુઓના મોત

ગુજરાતના 33 માંથી 17 જિલ્લામાં અત્યાર સુધીમાં 1,200 થી વધુ પશુઓના જીવલેણ લમ્પી સ્કીન ડિસીઝને કારણે મોત થયા છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે પરિસ્થિતિને જોતા રાજ્ય સરકારે પશુ મેળાઓ પર પ્રતિબંધ મૂકી સર્વે, સારવાર અને રસીકરણને વધુ સઘન બનાવ્યું છે.

સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે. રાજકોટમાં લમ્પીના કારણે અનેક પશુના મૃત્યુ થયા છે. વધુમાં ભુજ-રાજકોટની માફક જામનગરમાં પણ પશુ મોતના ઢગલા જોવા મળી રહ્યા  છે. લમ્પીની મોતના મુખમાં ધકેલાયેલ ગૌવંશના મૃતદેહના કાલાવડમાં ઢગલા જોવા મળી રહ્યા છે. જેથી લોકોમાં આક્રોશ ફેલાયો છે.
 
રાજકોટને નિયંત્રિત જાહેર કરી રોગને ફેલાતો અટકાવવા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અન્ય રાજ્યો અને જિલ્લાઓમાંથી પશુઓની હેરફેર પર પ્રતિબંધ, તથા પશુઓના વેપાર, પશુમેળા અને પશુ પ્રદર્શન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે ચેપી રોગવાળા પશુઓને જાહેરમાં ખુલ્લા મુકવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના આ જાહેરનામાનો 21 ઓગસ્ટ સુધી અમલ કરવાનો રહેશે.
 
પશુઓમાં લમ્પી સ્કીન ડિસીઝ ફેલાતો અટકે અને પશુધન સુરક્ષિત રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈને લમ્પી સ્કીન ડિસીઝનું નિવારણ અને નિયંત્રણ વધુ ઝડપી અને સુદ્રઢ રીતે થાય તે માટે રાજ્યના 14 જિલ્લાઓને "નિયંત્રિત વિસ્તાર"તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લાકક્ષાની સંકલન સહ મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવશે તેમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.  નિયંત્રિત વિસ્તારોમાં પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 
 
રાજ્ય સરકાર દ્વારા લમ્પી સ્કીન ડિસીઝના નિવારણ અને નિયંત્રણ માટે રાજ્યના અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાને "નિયંત્રિત વિસ્તાર" તરીકે જાહેર કરવામાં આવ્યા છે.