મંગળવાર, 4 નવેમ્બર 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 જૂન 2023 (14:36 IST)

બનાસકાંઠામાં થરા પાસે કારે ટક્કર મારતાં બાઈક પર સવાર ત્રણના મોત, બે બાળકો નોંધારા બન્યા

banaskantha news
પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે
 
ડીસાઃ ગુજરાતમાં હાઈવે પર થતાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વાહનની વધતી સંખ્યાને લીધે ગંભીર અકસ્માતો પણ વધી રહ્યાં છે. બેફામ પણે વાહન ચલાવતાં ડ્રાઈવરોની બેદરકારીને કારણે અનેક લોકોની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે. ત્યારે બનાસકાંઠાના થરામાં રોંગ સાઈડે આવતાં કાર ચાલકે એક જ પરિવારના ત્રણ સભ્યોનો ભોગ લીધો છે. સ્વીફ્ટ કારના ચાલકે બાઈક ચાલકને ફંગોળી દેતાં રૂંવાટા ખડા કરી નાંખનારો ગોઝારો અકસ્માત સર્જાયો હતો. 
 
પરિવાર ઘટના સ્થળે જ મોતને ભેટ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ડીસાના વતની વેરસીજી ઠાકોર કાંકરેજના રૂની ગામે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરે છે. તેઓ પોતાના ગામમાં પરિવાર સાથે મકાનના કામે આવ્યા હતાં. તેઓ કામ પતાવીને ગઈકાલે કામના સ્થળે બાઈક લઈને પત્ની અને પુત્રી સાથે રવાના થયા હતાં. આ દરમિયાન વડા ગામ નજીક થરા તરફથી રોંગ સાઈડમાં આવતી સ્વીફ્ટ કારના ચાલકે તેમના બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર વેરસીજીનો પરિવાર ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. 
 
પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો
આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારની ટક્કરથી બાઈક પર રહેલા ત્રણેય જણા 200 મીટર જેટલા દૂર ઢસડાયા હતાં. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતાં. ત્યાર બાદ મૃતકોના પરિવારજનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતાં. પરિવારમાં બે બાળકો માતા પિતા વિના નોંધારા બન્યા હતાં. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.