ગુજરાતના ડાંગમાં વાઘની વસતીના વસવાટની આશંકા, વસતી ગણતરી થશે
ડાંગ જિલ્લામાં વાઘના નિશાન મળી આવ્યા છે. છેલ્લે 1989માં મહારાષ્ટ્રની બોર્ડર પાસે આવેલા ડાંગના જંગલોમાં વાઘ જોવા મળ્યા હતા. પરંતુ તાજેતરમાં જ ડાંગના જંગલમાંથી મળી આવેલા વાઘના મળના નમૂનાને આધારે નાસિક જિલ્લાને અડીને આવેલા ડાંગના જંગલોમાં વાઘની વસ્તી હોવાની શક્યતા દેખાઈ રહી છે. જેને કારણે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) નવેમ્બરમાં થનારી વાઘની વસ્તી ગણતરીમાં ડાંગના જંગલોનો સમાવેશ કરશે.
ડાંગના જંગલોમાં મળી આવેલા વાઘના આ મળના નમૂના સૂચવે છે કે વાઘ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગ જંગલની 2-3 કિ.મીના વિસ્તારમાં આવનજાવન કરી રહ્યા છે. વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયા (WII)ના વૈજ્ઞાનિક અને ફિલ્ડ બાયોલોજિસ્ટ વાય.વી ઝાલાએ જણાવ્યું કે વાઘની વસ્તી ગણતરી આ વર્ષે નવેમ્બર મહિનામાં કરવામાં આવશે. તેમણે કહ્યું, “ડાંગના જંગલોમાં વાઘની વસ્તી જોવા મળી છે. આ કારણે ડાંગના જંગલ વાઘનું રહેઠાણ બની શકે તેવી શક્યતા વધી ગઈ છે. અમે ગુજરાતના વનવિભાગને ડાંગમાં વિગતે સર્વે કરવા જણાવીશું. જો તેમને કોઈ પુરાવા મળશે તો NTCA નવેમ્બરની વસ્તી ગણતરી માટે કેમેરા ટ્રેપ્સ ગોઠવશે.” વન સંરક્ષણ વિભાગના વડા જી.સિંહા જણાવે છે, “ડાંગની આબોહવા વાઘ માટે અનુકૂળ છે પરંતુ ત્યાં પૂરતો શિકાર નથી મળી રહેતો. છેલ્લે 1985માં વ્યારા તાલુકાના ભેસખતરી વિસ્તારમાં વાઘ જોવા મળ્યા હતા. 1989ની વસ્તી ગણતરીમાં 13 વાઘ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે 1992માં એ શૂન્ય થઈ ગઈ હતી. થોડા દાયકા પહેલા આખા દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય હતું જેમાં વાઘ, સિંહ અને દીપડા એ ત્રણેય જોવા મળતા હોય. જો અમને WIIની પરવાનગી મળશે તો અમે સર્વે હાથ ધરીશું.” 1979માં ગુજરાતની વાઘની વસ્તી ગણતરી પછી ગુજરાતના વન્ય જીવન સંરક્ષક એમ.એ રશીદે ચેતવણી આપી હતી કે ગુજરાતમાં વાઘને ટકવામાં મુશ્કેલી પડશે. 1979માં પ્રકાશિત થયેલી ચીતલ જર્નલના જણાવ્યા મુજબ 1979માં ગુજરાતમાં સાત વાઘ હતા જેમાંથી 6 ડાંગ જિલ્લામાં હતા.