ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (09:43 IST)

તમાકુ અને દારુના વ્યસનને કારણે ગુજરાતમાં કેન્સરના કેસ વધ્યાં,ત્રણ વર્ષમાં બે લાખથી વધુ કેસ,1.11 લાખ દર્દીઓના મોત

કેન્દ્ર સરકારે દર્દીઓને સારવાર મળે તે માટે છેલ્લા ત્રણ વર્ષમાં 25.46 કરોડ ગુજરાતને ફાળવ્યા
 
દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત મેડિકલ ક્ષેત્રે હબ તરીકે ગણાઈ રહ્યું છે. પરંતુ રાજ્યમાં દેશના અન્ય રાજ્યો કરતાં કેન્સરના કેસોની સંખ્યાનું પ્રમાણ વધી રહ્યું છે. લોકસભાના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આંકડા રજુ કરવામા આવ્યાં છે. આ આંકડામાં છેલ્લા પાંચ વર્ષમાં બે લાખથી વધુ કેસો નોંધાયાં હતાં. જેમાં 1.11 લાખ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કોરોના કરતાં કેન્સરથી પાંચ ગણા મોત થયાં છે. કેન્સરની સારવાર માટે કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતને 25.46 કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું છે. 
 
કેન્સરની સારવાર માટે કેન્દ્રએ ત્રણ વર્ષમાં 25 કરોડ ફાળવ્યા
કેન્દ્ર સરકારે જરૂરિયાતમંદ વ્યક્તિઓને કેન્સરની સારવાર મળી રહે તે માટે છેલ્લા ત્રણ વર્ષમાં 37 રાજ્યોને ફંડની ફાળવણી કરી છે. જેમાં ગુજરાતને 2019-20માં 5.18 કરોડ, 2020-21માં 7.09 કરોડ જ્યારે 2021-22માં 12.38 કરોડનું ફંડ ફાળવ્યું છે. કેન્દ્ર સરકારે અમદાવાદ ખાતેની ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટને છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 25.46 કરોડ રૂપિયાનું ફંડ જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે ફાળવ્યું છે.
 
ત્રણ વર્ષમાં કેન્સરના 2.03 લાખ દર્દીઓ નોંધાયા
ગુજરાતમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોતા એવું લાગે છે કે, રાજ્યમાં કેન્સરના કેસોમાં સૌથી મોટો વધારો થયો છે. 2018માં કેન્સરના કેસોની સંખ્યા 66 હજાર 69 હતી. તેમાં એક હજાર કરતાં વધુ કેસો વધીને 2019માં 67 હજાર 801 થયાં હતાં. જ્યારે ફરીવાર તેમાં ચોંકાવનારો વધારો થયો હતો. 2020માં આ કેસોમાં બે હજારથી વધુનો વધારો થતાં 69 હજાર 660 કેસો નોંધાયા હતાં. ટુંકમાં માત્ર ત્રણ વર્ષમાં કેન્સરના 2.03 લાખ દર્દીઓ નોંધાયા હતાં.
 
છેલ્લા ત્રણ વર્ષમાં 1.11 લાખ લોકોનાં મોત
રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેન્સરને કારણે 1 લાખ 11 હજાર 931 લોકોના મોત થયાં હતાં. જેમાં 2018માં 36 હજાર 325, વર્ષ 2019માં 37 હજાર 300 તથા 2020માં 38 હજાર 306 લોકોના મોતનું કારણ કેન્સર હતું. દેશમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન કરતાં ગુજરાતમાં કેન્સરના કેસો વઘુ પ્રમાણમાં નોંધાય છે. દેશમાં 2020માં કેન્સરના કુલ 13 લાખ 92 હજાર 179 કેસો નોંધાયા હતાં. જ્યારે 7 લાખ 70 હજાર 230 લોકોના મોત થયાં હતાં. 
 
ગુજરાતમાં કેન્સર વધવાનાં કારણો
ગુજરાતમાં દારૂબંધી તેમજ તમાકુ જેવાં વ્યસનો પર કડક કાયદા બનાવવામાં આવ્યા છે. એમ છતાં ગુજરાતમાં મોટી માત્રામાં દારૂ તેમજ તમાકુ સેવન કરવામાં આવે છે, સાથે જ ગુજરાતમાં સતત બદલાતા વાતાવરણને કારણે પણ મોઢાના કેન્સરના દર્દીઓ પણ વધી રહ્યા છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં વર્ષ દરમિયાન આવતા કેન્સરગ્રસ્ત પુરુષ દર્દીઓમાંથી 21.81% દર્દીને મોઢાનું, 10.98%ને જીભના ભાગનું, 9.74%ને ફેફસાંનું, 4.27%ને અન્નનળીનું અને 3.98% દર્દીઓમાં લ્યુકેમિયાનું કેન્સર જોવા મળે છે, જ્યારે મહિલા દર્દીઓમાં 29.41 ટકા સ્તનનું કેન્સર, 14.23% ગર્ભાશયનું કેન્સર, 7.72% મોઢાનું અને 5.13 ટકા દર્દીઓમાં જીભના ભાગનું કેન્સર જોવા મળે છે.
 
પુરુષોમાં મોઢા તો મહિલાઓમાં સ્તનમાં કેન્સર સૌથી વધુ
ગુજરાતમાં કોરોના મહામારીની શરૂઆતથી જ રાજ્યમાં કેન્સરના કેસ ઝડપથી ડિટેક્ટ થઈ રહ્યા છે. છેલ્લાં ત્રણ વર્ષમાં કેન્સર કેસમાં વધારાની વાત કરીએ તો, 2019માં 1772, 2020માં 1819 અને 2021ના 6 મહિનામાં જ 1847 કેન્સરના દર્દીઓ વધ્યા છે. દેશભરમાં કેન્સરના દર્દીઓની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાત 10મા ક્રમે આવે છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ અંતર્ગત વસતિ આધારિત રજિસ્ટ્રીના ડેટા સૂચવે છે કે પુરુષોમાં સૌથી વધુ મોઢા, ફેફસાં, અન્નનળી તેમજ પેટનાં કેન્સર જોવા મળ્યાં છે, જ્યારે સ્ત્રીઓમાં ગર્ભાશય, સ્તન તેમજ મોઢાનાં કેન્સર વધારે સામે આવ્યા છે.