રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 19 માર્ચ 2022 (13:02 IST)

બે વર્ષ બાદ લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની બેઠક મળશે,પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું સમાજની બેઠકમાં રાજકીય વાર્તાલાપ નહીં થાય

jayesh randiya
રાજકોટમાં આજે પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં સક્રિય થવાના સંકેત વચ્ચે લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની મહત્વની બેઠક આયોજિત થઈ રહી છે. રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન જયેશ રાદડિયાના નેતૃત્વમાં આ બેઠકનું આયોજન થયુ છે.વિધાનસભા ચૂંટણીનુ વર્ષ સાથે સાથે બે વર્ષ બાદ આ બેઠક યોજાઈ રહી છે.જેથી સૌની નજર આ બેઠક પર રહેલી છે.

આ બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ સામેલ થશે. આ અંગે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ યોજી તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, આજે સમાજની બેઠકમાં રાજકીય વાર્તાલાપ નહીં થાય, યોગ્ય સમયે જવાબ આપીશ.આજની જે બેઠક મળવાની છે તે માત્રને માત્ર સમાજલક્ષી જ બેઠક છે. બેઠકમાં એક પણ જાતનો રાજકીય વાર્તાલાપ નથી થવાનો. બેઠકમાં લેઉવા પટેલ સમાજ નિર્મિત નાથદ્વારા સમાજ, મથુરા સમાજ, દ્વારિકા સમાજ તેમજ સોમનાથ સમાજના લેખાજોખા રજૂ કરવામાં આવશે. લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારકા, નાથદ્વારા સહિત યાત્રાધામના ચાલતા સમાજના પ્રમુખ જયેશ રાદડિયા છે. સમાજની બેઠકમાં કેવા મુદ્દા ચર્ચામાં આવે છે એની રાજકીય અને સામાજિક જગતના લોકોની મીટ મંડાયેલી રહેશે.

સહકારી જગતમાં જયેશ રાદડિયાને અત્યારે કેટલાક વિવાદને લઇ નિશાન બનાવ્યા છે ત્યારે સમાજની આ બેઠક પણ ખૂબજ મહત્ત્વની ગણાય છે.રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન, ભાજપના પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા સામે ભાજપના નીતિન ઢાંકેચા, પુરુષોત્તમ સાવલિયા, વિજય સખિયા અને હરદેવસિંહ જાડેજાએ ગાંધીનગર ખાતે 6 દિવસ પહેલાં રજૂઆત કરી હતી, જેમાં જિલ્લા બેંકમાં કથિત ભરતીકૌભાંડ ચાલતું હોવાનું જણાવાયું હતું. વિઠ્ઠલ રાદડિયા બેંકના ચેરમેન હતા, ત્યારે 2002માં બોર્ડ મીટિંગમાં ઠરાવ કરીને ભરતીની તમામ સત્તા ચેરમેનને આપી દેવામાં આવી હતી, જેને લઈને ભરતીકૌભાંડ મામલે જયેશ રાદડિયાની સીધી સંડોવણી હોવાનો આક્ષેપ પણ ભાજપનાં નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.