ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર , બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (13:02 IST)

ગુજરાતમાં વધુ બે નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, નાણાંમંત્રીએ જાહેરાત કરી

kanubhai desai
- બજેટમાં રાજ્યમાં વધુ સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી
- હવે બજેટ સત્રમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વધુ બે નગરપાલિકાઓને મહાનગર પાલિકા તરીકે જાહેર કરી 
- પોરબંદર – છાયા અને નડિયાદ મહાનગર પાલિકા બનશે

ગુજરાત સરકારે ગત બીજી ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં રાજ્યમાં વધુ સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર/વઢવાણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે બજેટ સત્રમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વધુ બે નગરપાલિકાઓને મહાનગર પાલિકા તરીકે જાહેર કરી છે. 
 
પોરબંદર – છાયા અને નડિયાદ મહાનગર પાલિકા બનશે
ગાંધીનગરમાં હાલમાં ચાલી રહેલા બજેટ સત્રમાં નાણાંમંત્રી કનુંભાઈ દેસાઈએ આજે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામા આવશે.તેમણે પોરબંદર – છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરી છે. આણંદ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો અપાતા નડિયાદ નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી માંગ કરવામા આવી હતી. ત્યારે આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરતા નડિયાદવાસીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે.
 
રાજ્યની અંદાજે 50 ટકા વસતિ શહેરોમાં વસે છે
હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકાઓ થશે. અગાઉ ગૃહમાં બજેટ સત્ર દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, પ્રવર્તમાન શહેરીકરણની સ્થિતિને પારખીને રાજ્ય સરકારે નવી મહાનગરપાલિકાઓ બનાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહી છે. રાજ્યની અંદાજે 50 ટકા વસતિ અત્યારે શહેરોમાં વસવાટ કરે છે. જે વર્ષ-2047 સુધી વધીને 75 ટકા સુધી પહોંચે તેવી ધારણા છે.