શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (12:51 IST)

PMનો ગુજરાત પ્રવાસ, મોદીએ કહ્યું, ગુજરાતના ગામડાઓએ વાવેલો છોડ વિશાળ વટવૃક્ષ બન્યો

amul dairy
- અમૂલના પાંચ નવા પ્રોજેક્ટનો પ્રારંભ 
આર્થિક સ્થિતિ ઉંચી લાવવામાં દૂધનું ઉત્પાદકોનો સહયોગ
-  આઝાદી પછી દેશમાં બહુ જ બ્રાન્ડ બની પણ અમુલ જેવું કોઈ નહીં, અમુલ એટલે વિશ્વાસ, વિકાસ - મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમુલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી ગયા છે. અહીં ઓપન જીપમાં નરેન્દ્ર મોદી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ સાથે સવાર થઈ ખેડૂતો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.આ કાર્યક્રમને લઈને વહેલી સવારથી જ ખેડૂતો સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. સ્ટેડિયમ પાસે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લોકોથી ભરાય ગયું છે. વડાપ્રધાને આજે અમૂલના પાંચ નવા પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો છે. 
 
ગુજરાતે વાવેલો છોડ વટવૃક્ષ બની ગયો 
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગામડાઓએ જે છોડ વાવ્યો હતો આજે તે વિશાળ વટવૃક્ષ બની ગયો છે.તેની શાખાઓ દેશ-વિદેશ સુધી ફેલાઈ ગઈ છે. GCMMFની સ્વર્ણિમ જયંતિની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક મહિલાઓનું હું અભિવાદન કરૂ છું. આઝાદી પછી દેશમાં બહુ જ બ્રાન્ડ બની પણ અમુલ જેવું કોઈ નહીં, અમુલ એટલે વિશ્વાસ, વિકાસ, જનભાગીદારી, ખેડૂતોનું સશક્તિકરણ, આત્મનિર્ભર ભારતની પ્રેરણા, મોટા સંકલ્પ અને સિદ્ધિઓ. આજે દુનિયાના 50 દેશમાં અમુલની પ્રોડક્ટ નિકાસ થાય છે. 36 લાખ ખેડૂતોનું નેટવર્ક રોજ 200 કરોડનું ઓનલાઈન પેમેન્ટ થાય છે જે આસાન નથી.
 
10 વર્ષમાં ભારતમાં દૂધ ઉત્પાદકમાં 60 ટકા વૃદ્ધિ કરી
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનમાં ખેડામાં શરૂઆત કરાઇ હતી. આજે દુનિયા સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ આપણો છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં દૂધ ઉત્પાદકમાં 60 ટકા વૃદ્ધિ કરી છે. દુનિયામાં ડેરી સેક્ટર માત્ર બે ટકાના દરથી આગળ વધે છે. જ્યારે ભારતમાં 6 ટકા દરથી આગળ વધે છે. ભારતના ડેરી સેક્ટરની સૌથી મોટી વિશેષતા છે જેની ચર્ચા થતી નથી. આજે હું એ ચર્ચા કરવા માગુ છે. 10 લાખ કરોડ ટર્નઓવરવાળી ડેરી સેક્ટરની મોટી કર્તાધર્તા આપણી માતાઓ, બહેનો અને દીકરીઓ છે. દેશમાં ઘઉં, શેરડી, ખાંડને મળીને જેટલું ટર્નઓવર થાય છે એના કરતા વધારે ડેરી સેક્ટરનું ટર્નઓવર છે. ભારતના ડેરી સેક્ટરનું અસલી બેકબોર્ન મહિલા શક્તિ છે.
 
ડેરી સેક્ટરની સફળતા મહિલાઓ માટે મોટી પ્રેરણા
તેમણે ઉમેર્યું હતું કે, અમુલની સફળતા મહિલા શક્તિના કારણે છે. ભારત ડેરી સેક્ટરની સફળતા મહિલાઓ માટે મોટી પ્રેરણા છે. ભારતને વિકસીત બનાવવા માટે દરેક મહિલાની આર્થિક શક્તિ વધવી એટલી આવશ્યકતા છે. મહિલાની આર્થિક શક્તિ વધારવા માટે અમારી સરકારી ચારેબાજુ કામ કરી રહી છે. સરકારના પ્રયાસથી છેલ્લા 10 વર્ષથી ભાજપ સરકારે 6 લાખ કરોડની આર્થિક મદદ કરી છે. 4 કરોડ ઘર આપ્યા છે એમાં મોટાભાગના મહિલાઓના નામે છે. આપણે નમો ડ્રોન દીદી અભિયાનનું નામ સાંભળ્યું હશે. 15 હજાર આધુનિક ડ્રોન દેવામાં આવી રહ્યું છે. જેની ટ્રેનિંગ મહિલાઓને આપવામાં આવી રહી છે. જે ખાતર અને દવા છંટકાવવામાં કામ આવશે.
 
ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પૂરી પાડી
તેમણે કહ્યું હતું કે,આજે હું અમુલની પ્રશંસા કરું છું. પશુપાલકોને તેમના ખાતામાંથી પૈસા કાઢવા માટે બહુ દૂર નહીં જવું પડે. ગાંધીજી કહેતા હતા ભારતની આત્મા ગામડામાં વસે છે. અમારુ ફોકસ છે પશુઓનું સ્વાસ્થ્ય કેવી રીતે સારુ રહે, ખેડૂતો કેવી રીતે ધનવાન બને. આ વિચાર સાથે અમે પહેલીવાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પૂરી પાડી છે. ભાજપ સરકાર રાષ્ટ્રીય ગોકુલ માધ્યમથી દૂધાળુ પશુઓને સુધારવાનું કામ કરે છે. ગઈકાલે અમારી કેબિનેટની બેઠક મળી હતી. જેમાં નેશનલ લાયસ્ટોક મિશન દેશી પ્રજાતિને બચાવવા માટે જાહેર કર્યું છે. સરકારે પશુધનનો વીમો કરવા માટે પ્રિમિયમની રકમ ઓછી કરવાનો નિર્ણય લીધો છે.
 
અમારી સરકાર ખેડૂતોને સોલાર પમ્પ આપી રહી છે
સરકારે 60 હજારથી વધુ અમૃત સરોવર બનાવ્યા છે. અમારો પ્રયાસ છે કે ગામડાના નાનામા નાના ખેડૂતને આધુનિક ટેકનોલોજીથી જોડવામાં આવે. લાખો કિસાન સમૃદ્ધિ કેન્દ્રો સ્થાપ્યા છે. અમારી સરકાર ખેડૂતોને સોલાર પમ્પ આપી રહી છે. દેશમાં 10 હજાર ખેડૂત સંઘ છે. પશુપાલકો માટે 30 હજાર કરોડનું એક અલગ ફંડ બનાવ્યું છે. અમુલ દુનિયાની 8મી સૌથી મોટી ડેરી છે, તમારે એક નંબર પર લઈ જવાની છે.
 
આર્થિક સ્થિતિ ઉંચી લાવવામાં દૂધનું ઉત્પાદકોનો સહયોગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે ગુજરાતના બે પનોતા પુત્ર ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે ભૂમિકા ભજવી હતી. આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહ દેશની વિકાસયાત્રા આગળ ધપાવી રહ્યા છે. 36 લાખ પશુપાલકો વિશ્વનો સૌથી મોટો પરિવાર બની ગયો છે. દૂધના વેપારમાંથી લાભ મળે છે તે સાથે દેશમાં સૌનો સાથ સૌના વિકાસમાં સહભાગી બન્યો છે. બે દાયકામાં રાજ્યમાં દૂધ ઉત્પાદકોની સંખ્યા બમણી થઈ છે. જેમાં 11 લાખ જેટલી તો નારીશક્તિ છે. આ પશુપાલક માતાઓ અને બહેનો લાખો કરોડોની આવક મેળવી પરિવારને મદદરૂપ બની રહી છે. દેશની આર્થિક સ્થિતિ ઉંચી લાવવામાં દૂધનું ઉત્પાદકોનો સહયોગ છે. ભારતની આ ડેરી વિશ્વની ડેરી તરીકે ઓળખ બનશે.