મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 8 ઑગસ્ટ 2021 (16:18 IST)

પાટીદારોના બે સંગઠનો ફરી આંદોલન કરવાના મૂડમા, શહીદ પરિવારને નોકરી અને કેસ પાછા ખેંચવાની માંગ

ગુજરાતમાં પાટીદારો ફરી આંદોલન કરવા માટે મેદાનમાં આવશે. પાટીદારોનાં બે મોટાં સંગઠનો સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ની મહેસાણામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ની બેઠકમાં નિર્ણય કરાયો છે કે, આગામી સમયમાં ફરીથી પાટીદાર આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવશે.

મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપ (SPG)ના લાલજી પટેલ  અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ના અલ્પેશ કથેરિયા વચ્ચે પોતપોતાના સમર્થકો સાથે બેઠક થઈ હતી. પાટીદાર સમાજના પડતર પ્રશ્નો ઉકેલવા યોજાયેલી  બેઠકમાં એ વાત પર ભાર મૂકાયો હતો કે, પાટીદાર સમાજ દ્વારા આનંદીબેન પટેલની સરકાર વખતે કરાયેલા  આંદોલનમાં રજૂ કરાયેલી માંગણીઓ પૈકી હજુ કેટલીક માંગ બાકી છે અને સરકારે તેનો અમલ કર્યો નથી. આ માગણીઓનો તાકીદે અમલ કરાવવા માટે સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS) સંયુક્ત રીતે આંદોલન કરશે
 
2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. હાલમાં જેલમાંથી છૂટલા અને ગુજરાત અને ખાસ કરીને સુરતના પાટીદાર આંદોલનના મોટા નેતા અલ્પેશ કથીરિયા હાલ દેવ દર્શનના બહાને સૌરાષ્ટ્ર પ્રવાસ પર છે.આજે સાળંગપુર અને ગઢડા મંદીરે દર્શન કર્યા બાદ થયેલી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જો ન્યાય ન મળે તો આંદોલન ચાલુ રહેશે તેવું નિવેદન આપ્યું હતું .શહીદના પરિવારોને સરકારી નોકરી અને યુવાનો પરના કેસ પર ખેંચવાની પાટીદાર સમાજ માગ કરી રહ્યો છે. ત્યારે આવનાર 2022ની ચૂંટણી પહેલા ફરી પાછું પાટીદાર આંદોલન ધમધમતું બને તો નવાઈ નહીં. કારણ કે હાર્દિક પટેલના કોંગ્રેસમાં ભળ્યા બાદ અલ્પેશ કથીરિયા પાટીદાર આંદોલનને પોતાના હાથમાં લઈ શકે છે. અને પોતાની સૂઝબૂઝથી આંદોલન માટેની તૈયારી આ પ્રવાસ દરમિયાન જ કરતાં હોય તેવું મનાઈ રહ્યું છે.
 
આ આંદોલનમાં બે માંગણીઓ મુખ્ય રહેશે શહીદ પાટીદારોના પરિવારને નોકરીની માંગ તથા પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ. પાટીદાર સમાજના પડતર પ્રશ્નો ઉકેલવા યોજાયેલી  બેઠક પછી લાલજી પટેલે કહ્યું કે, પાટીદાર આંદોલનકારીઓને અમે રાજકીય હાથો નહી બનવા દઈએ. પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ના અલ્પેશ કથેરિયાએ ઉંઝા ઉમિયા માતાજીના દર્શન કરી બેઠકોની શરૂઆત કરી છે