બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 ઑક્ટોબર 2023 (19:08 IST)

Cyclone Tej Alert : ભારતના દરિયામાં એકસાથે બે વાવાઝોડાં, ગુજરાતમાં કોઈ અસર થશે?

Cyclone Gujarat
ભારતના દરિયામાં એક સાથે બે વાવાઝોડાં સર્જાયાં છે, આ ભાગ્યે જ બનતી ઘટનામાં સૌથી ખતરનાક વાવાઝોડું અરબી સમુદ્રમાં સર્જાયું છે. સાથે જ બંગાળની ખાડીમાં પણ એક નવું વાવાઝોડું સર્જાયું છે.
 
અરબી સમુદ્રમાં સર્જાયેલું તેજ વાવાઝોડું વધારે ખતરનાક બન્યું છે અને તેની પવનની ગતિ લગભગ 200 કિમી પ્રતિકલાક સુધી પહોંચી હતી. હાલ તે સમુદ્રમાં આગળ વધીને યમનના દરિયાકિનારે ત્રાટકશે.
 
તેજ વાવાઝોડું જ્યારે દરિયાકિનારે પહોંચશે ત્યારે તેની પવનની ગતિ ઘટવાની સંભાવના છે પરંતુ નબળું પડ્યા બાદ પણ તે ભીષણ ચક્રવાત તો રહેશે. હાલની સ્થિતિ પ્રમાણે એવું અનુમાન છે કે જ્યારે દરિયાકિનારે તે ત્રાટકશે ત્યારે પવનની ગતિ 150 કિમીથી લઈને 175 કિમી પ્રતિકલાક સુધીની હશે.
 
તેજ વાવાઝોડું હાલ અરબી સમુદ્રમાં પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે તેથી તેનો કોઈ ખતરો ગુજરાત પર નથી. જ્યારે વાવાઝોડું સર્જાયું ત્યારે એવું લાગતું હતું કે તે ઓમાન અને યમનના દરિયાકિનારે ત્રાટકશે પરંતુ હવે ઓમાન પરથી પણ ખતરો ટળી ગયો છે અને યમન પર આ વાવાઝોડું ત્રાટકશે.
 
બંગાળની ખાડીમાં રહેલું વાવાઝોડું હાલ દરિયામાં આગળ વધી રહ્યું છે અને તે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકિનારાની વચ્ચે ત્રાટકે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.
 
હાલની સ્થિતિને જોતાં આ વાવાઝોડું વધારે ભયાનક બને તેવી શક્યતા ઓછી છે. તે માત્ર વાવાઝોડું બનશે અને તેમાં પવનની ગતિ લગભગ 80થી 100 કિમી પ્રતિકલાક સુધીની રહે તેવી સંભાવના છે. દરિયામાં આગળ વધતાની સાથે તે થોડું મજબૂત બને તેવી સંભાવના છે.
 
ગુજરાતમાં પર તેની કોઈ અસર થશે?
 
ભારતમાં ચોમાસા પૂરું થયા બાદ વાવાઝોડાની સિઝન શરૂ થતી હોય છે અને બંગાળની ખાડી તથા અરબી સમુદ્રમાં વાવાઝોડાં સર્જાતાં હોય છે. જોકે, ગયા વર્ષે ચોમાસા બાદ અરબી સમુદ્રમાં એક પણ વાવાઝોડું સર્જાયું ન હતું.
 
હાલ સર્જાયેલાં બંને વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી. અરબી સમુદ્રનું તેજ નામનું વાવાઝોડું ભારતના દરિયાકિનારાથી દૂર જતું રહ્યું છે અને હવે તે વળાંક લે તેવી કોઈ સંભાવના નથી.
 
જ્યારે બંગાળની ખાડીના વાવાઝોડાની ગુજરાતને કોઈ સીધી અસર થતી નથી. એટલે રાજ્યમાં હાલ વરસાદની પણ કોઈ આગાહી નથી અને પવનની ગતિ પણ ખૂબ વધારે વધે તેવી કોઈ સંભાવના નથી.
 
ગુજરાતમાં હાલ હવામાન શુષ્ક રહે તેવી સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં પવનની દિશા બદલાય તેવી સંભાવના દેખાઈ રહી છે. ગુજરાતમાં ચોમાસું પૂરું થયા બાદ હાલ શિયાળા અને ચોમાસા વચ્ચેનો સમયગાળો ચાલી રહ્યો છે એટલે કેટલાક વિસ્તારોમાં ગરમી અનુભવાશે.
 
બંગાળની ખાડીમાં સર્જાશે 'હનૂન'
 
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ આજે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને આ સિસ્ટમ વાવાઝોડું બનતાં એને 'હનૂન' નામ આપવામાં આવશે. ઈરાને આ નામ સૂચવ્યું છે.
 
આ સિસ્ટમ હાલ બંગાળની ખાડીની અંદર છે અને આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી રહી છે પરંતુ તે દરિયાની અંદર જ વળાંક લેશે. આ સિસ્ટમને લીધે પૂર્વ ભારતના દરિયાકિનારે ભારે પવનો સાથે વરસાદ વરસવાની આગાહી કરાઈ છે.
 
હાલમાં આ સિસ્ટમ ઓડિશાથી દક્ષિણમાં 400 કિલોમીટર દૂર, પશ્ચિમ બંગાળથી 550 કિલોમિટર દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં તથા બાંગ્લાદેશના ખેનપુરાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં 690 કિલોમિટર દૂર દરિયામાં સ્થિત છે.
 
હવામાન વિભાગના મતે આ વાવાઝોડું બાંગ્લાદેશ નજીક પહોંચતાં નબળું પડી જશે અને બુધવારે ચિટ્ટાગોંગ તથા ખેનપુરા વચ્ચેથી પસાર થશે.
 
નોંધનીય છે કે આ પહેલાં ચોમાસા પહેલાં પણ બંગાળની ખાડીમાં બનેલું મોખા નામનું વાવાઝોડું મ્યાનમાર પર ત્રાટક્યું હતું અને આ વખતે પણ ભારતનો મોટા ભાગનો દરિયાકિનારો કદાચ આ વાવાઝોડાના સંપર્કમાં નહીં આવે.
 
બંગાળની ખાડીના વાવાઝોડાની સીધી અસર ગુજરાતને થતી નથી અને આ વખતે બની રહેલી સિસ્ટમની કોઈ અસર રાજ્ય પર થવાની સંભાવના નથી.
 
ભારતમાં દર વર્ષે કેટલાં વાવાઝોડાં આવે છે?
 
ભારતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં દર વર્ષે ચોમાસા પહેલાં અને ચોમાસા પછી વાવાઝોડાં સર્જાય છે અને તેના કારણે લાખો લોકોને તેની સીધી અસર થાય છે.
 
ભારતના દરિયામાં સામાન્ય રીતે દર વર્ષે ચારથી પાંચ વાવાઝોડાં સર્જાય છે તેમાં બંગાળની ખાડીમાં વધારે વાવાઝોડાં સર્જાય છે અને અરબી સમુદ્રમાં તેના પ્રમાણમાં ઓછા વાવાઝોડાં સર્જાય છે.
 
આ વર્ષે ચોમાસા પહેલાં બે વાવાઝોડાં સર્જાયાં હતાં, મોખા નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાં અને બિપરજોય નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં. મોખા મ્યાનમાર પર ત્રાટક્યું હતું અને બિપરજોય ગુજરાત પર ત્રાટક્યું હતું.
 
ગયા વર્ષે ચોમાસા બાદ બે વાવાઝોડાં સર્જાયાં હતાં અને બંને વાવાઝોડાં બંગાળની ખાડીમાં સર્જાયાં હતાં. ચોમાસા બાદ બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાં સામાન્ય રીતે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુને અસર કરતાં હોય છે.