ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 એપ્રિલ 2022 (12:13 IST)

સુરતમાં બે યુવકનાં ગટરલાઇનમાં ગૂંગળામણથી મોત

જીવને જોખમમાં મૂકીને કામ કરતા લોકોને ક્યારેક જીવ ખોવાનો વખત આવતો હોય છે. ત્યારે રાત્રિના અંધારામાં જીવનું જોખમ ખેડનારા બે યુવકનાં સુરતના ભાગળ વિસ્તારમાં અંબાજી મંદિર નજીક મોત થયાં હતાં. આ વિસ્તારમાં સોનાના દાગીનાઓ બનાવવાનું કામ મોટે પાયે થાય છે, તેથી સોનું ઓગાળ્યા બાદ તેના ટુકડા અને અંશો ગટરમાંથી કાઢવાની જોખમી કામગીરી બે યુવક રાત્રિ દરમિયાન કરી રહ્યા હતાં.


રાત્રિના સમયે ગટરમાં ઊતરીને માટી કાઢતા બન્ને યુવકો બેભાન થયા બાદ તેમને બહાર કાઢીને સારવાર માટે લઈ જવાયા હતાં, જ્યાં તબીબોએ બન્નેને મૃત જાહેર કર્યા હતા.બે યુવકની હજી તેમની ઓળખ થઈ નથી. બન્ને અંબાજી વિસ્તારની અંદર ગટરનું ઢાંકણું ખોલીને અંદર ઊતર્યા હતા. એ દરમિયાન માટી કાઢતી વખતે ગટરમાં ગૂંગળામણ થતાં તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. એને કારણે તેમનું મોત નીપજ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

ફાયર વિભાગને રાતે 3 વાગ્યાનીની આસપાસ કોલ મળ્યો હતો અને તેના દ્વારા બન્ને યુવકને ગટરમાંથી બહાર કઢાયા હતા.ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, બે યુવક ગટરમાં ગૂંગળાતા હોવાનો કોલ મળ્યો હતો. ઘટનાસ્થળ પર ગાંધી શેરી અને નવસારી બજાર ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. યુવકોને ગટરની અંદર ગેસ ગૂંગળામણ થતી હોય એ પ્રકારનું ધ્યાનમાં આવ્યું હતું. બંન્ને યુવકને સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. મહત્ત્વપૂર્ણ છે કે ગટરમાં ઘણી વખત વ્યક્તિઓ અંદર ઊતરે છે ત્યારે ગૂંગળામણને કારણે આ પ્રકારે મોત નીપજતાં હોય છે.