બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (16:20 IST)

ઉડતા ગુજરાતઃ રાજકોટમાં સ્કૂલો-કોલેજો બહાર ડ્રગ્સનો ધીકતો ધંધો

ચરસ ગાંજાનું દૂષણ રંગીલા રાજકોટને ભરખી રહ્યું છે. બુધવારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારની મહાત્મા ગાંધી સોસાયટીમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. તપાસ શરૂ થઈ ત્યારે ગાંજાનો 200 કિલો જથ્થો હાથ લાગ્યો હતો પરંતુ તપાસ પૂર્ણ થતા સુધી સુધીમાં કુલ 357 કિલો ગાંજો ઝડપાયો હતો. માલની કિંમત અંદાજે રૂ. 21.45 લાખ હોવાની શક્યતા છે.બુધવારે સાંજે રાજકોટના સ્પેશિયલ ઓપરેશન ગૃપ (SOG) અને ભક્તિનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા 45 વર્ષીય મદીના જુનેજાની ધરપકડ કરવામાં આવી હતી.

ગુરુવારે સવારે મદીનાના પતિ ઉસ્માન જુનેજા, તેના પાર્ટન અફસાના કાયદા અને 17 વર્ષના સગીર છોકરાની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા છે. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “ગાંજાને જુદા જુદા પેકેટમાં પેક કરીને મદીના અને અફસાનાના ઘરમાં તથા ઉસ્માનની માલિકીની બે કારમાં છુપાવવામાં આવ્યા હતા. કેટલોક માલ નજીકની કરિયાણાની દુકાનમાંથી પણ ઝડપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાંજા ભરેલી ચિલ્લમો પણ જપ્ત કરવામાં આવી છે.”ડ્રગ્સ ઉપરાંત પોલીસને મદીનાના ઘરેથી એક દેશી બંદૂક અને બે કાર્ટ્રિજ પણ મળી આવી છે. મદીનાએ દાવો કર્યો હતો કે આ હથિયાર અને કાર્ટ્રિજ તેના 26 વર્ષીય પુત્ર નવાઝ શરીફ જુનેજાની છે જેની 10 જ દિવસ પહેલા દેવભૂમિ દ્વારકાની પોલીસ દ્વારા ડ્રગ્સની હેરાફેરીના મામલે ધરપકડ કરવામાં આવી છે. અત્યારે તે જામનગરની સેન્ટ્રલ જેલમાં કેદ છે.પોલીસના જણાવ્યા મુજબ જુનેજા પરિવારના બધા જ સભ્યો ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા છે. 12 દિવસ પહેલા મદીનાની માતા અમીના જુનેજાની 1.25 કિલો ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર પછી તેનો પુત્ર નવાઝ ઝડપાયો હતો. હવે મદીના અને તેના પતિની બુધવારે અને ગુરુવારે ધરપકડ કરવામાં આવી છે.અગ્રવાલે જણાવ્યું, “અમીના અને નવાઝ શરીફની ધરપકડથી મદીના અને ઉસ્માનને કોઈ ફરક પડ્યો નહતો અને તેમણે ડ્રગ્સની હેરાફેરી ચાલુ જ રાખી હતી તથા ગાંજાનો વધુ પુરવઠો મંગાવ્યો હતો.મંગળવારે રાત્રે માલ તેમને ત્યાં પહોંચ્યો હતો. આખો જુનેજા પરિવાર ડ્રગ્સની હેરફેરમાં સંડોવાયેલો છે. અમે તેમની સ્થાયી તથા જંગમ મિલકતો જપ્ત કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો સંપર્ક કર્યો છે. અમે તેમની પ્રોપર્ટીનું લિસ્ટ બનાવીને એફઆઈઆર સાથે ડિરેક્ટોરેટને મોકલી આપીશું. મિલકત જપ્ત કરવા માટે આ પ્રક્રિયા જરૂરી છે.”અગ્રવાલના જણાવ્યા મુજબ ગાંજાનો સપ્લાય સુરતથી થતો હતો. માલ સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં રાજકોટ આવતો હતો અને ત્યાંથી આખા સૌરાષ્ટ્રમાં મોકલવામાં આવતો હતો. રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર સૌરાષ્ટ્રનું ડ્રગ હબ બની ગયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ગાંજાની ડિલિવરી માટે સગીર યુવકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. અગ્રવાલે જણાવ્યું, “આ છોકરાઓને વિવિધ કોલેજ તથા સ્કૂલો બહાર બિઝનેસ કરતા ડ્રગ ડીલરો પાસે મોકલવામાં આવતા હતા. ડ્રગના દૂષણ સામે લડવા અમે શૈક્ષણિક સંસ્થાઓ બહાર સાદા વેશમાં વધુ પોલીસોને તૈનાત કરીશું. અમે સ્કૂલ કૉલેજોમાં એન્ટિ-ડ્રગ અવેરનેસ કેમ્પેઈન પણ શરૂ કરીશું.”