રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 જૂન 2018 (12:39 IST)

બળાત્કાર પિડીતાને 3 લાખ વળતર ચૂકવવા કોર્ટનો સરકારને આદેશ પણ કાંણી પાઈ ના ચુકવાઈ

ઉનાની સ્પેશિયલ કોર્ટે બળાત્કાર પીડિતાને ૩ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો પરંતુ સરકારે હજુ સુધી એક રૂપિયો પણ ચૂકવ્યો નથી. સરકારની દલીલ છે કે તે  પીડિતાને ૧ લાખ રૂપિયાથી વધારે વળતર આપી શકે તેમ નથી. ત્યારે ૩ લાખ રૂપિયા ન ચૂકવવા પડે તે માટે રાજય સરકારે કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે. રાજય  સરકારે દલીલ કરી છે કે, યોજના પ્રમાણે પીડિતાને ૧ લાખનું  વળતર મળી શકે તેમ છે. અને  કોર્ટ પાસે એવી સત્તા નથી કે  પીડિતાને કેટલું વળતર ચૂકવવું તે નક્કી  કરે.  ગીર સોમનાથ જિલ્લાના ઉનાની ૧૫ વર્ષીય  છોકરી  સાથે ૨૦૧૫માં દુષ્કર્મ થયું હતું.

માર્ચ ૨૦૧૭માં  સ્પેશિયલ કોર્ટે દોષિતોને અપહરણ, રેપ અને POCSO  એકટનો ભંગ કરવા બદલ ૧૦ વર્ષની સજા ફટકારી હતી. સ્પેશિયલ કોર્ટે પીડિતા સહાય યોજનાની ગાઈડલાઈનના શિડ્યુલ-૧ પ્રમાણે  પીડિતાના પરિવારને ૩ લાખ વળતર ચૂકવવાનો રાજય સરકારને  આદેશ કર્યો હતો.  રાજય સરકારે વળતર તો ન ચૂકવ્યું પરંતુ મે ૨૦૧૭માં પીડિતાને  પત્ર લખ્યો કે, સ્પેશિયલ કોર્ટના ચૂકાદાને  હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. કારણકે કોર્ટે જે રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે, તે ગુજરાત વિકિટમ કમ્પેન્સેશન સ્કીમ, ૨૦૧૬માં નક્કી કરાયેલી રકમ કરતાં વધારે છે. રાજય સરકારે હાઈકોર્ટમાં  સ્પેશિયલ કોર્ટનો આદેશ રદ કરવાની વિનંતી કરી છે. રાજય સરકારે રજૂઆત કરી છે કે સ્પેશિયલ કોર્ટે કરેલી વળતરની રકમ રાજય સરકારે નક્કી કરેલી ગાઈડલાઈન્સ કરતાં વધારે છે. વળતરની રકમ નક્કી કરવાનો અધિકાર જિલ્લા કાનૂની સેવા અધિકારી (DLSA) પાસે જ છે. પીડિતાના પિતાના વકીલ ભાવિક સમાણીએ કહ્યું કે, 'સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું હતું અને રેપ પીડિતાને ઓછામાં ઓછું ૩ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની જોગવાઈ કરી હતી. ડિસેમ્બર ૨૦૧૭માં જયારે ગુજરાત હાઈકોર્ટે રાજય સરકારની ૧ લાખ રૂપિયા ચૂકવવની દલીલ સાંભળી ત્યારે જ તાત્કાલિક પીડિતાના પિતાને ૧ લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. સાથે હાઈકોર્ટની રજિસ્ટ્રીમાં ૨ લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ કર્યો હતો. આ હુકમને ૬ મહિના વિતી ગયા હોવા છતાં સરકારે પીડિતાને કશું જ ચૂકવ્યું નથી.