સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 મે 2021 (11:55 IST)

રસી લીધી એટલે કોરોના નહીં થાય એવી ગેરંટી નથી પણ એન્ટીબોડી ડેવલપ થાય છે

ડૉ. તેજસ પટેલ - (કાર્ડિયોલોજિસ્ટ, હૃદય રોગના નિષ્ણાત)

કોરોનાના બીજા વૅવમાં દર્દીઓમાં કાર્ડિયોલોજીકલ ક્રાઈસિસ જોવા મળી છે. કોરોનામાંથી રિકવર થઈને આરામ કરતા કેટલાક દર્દીઓમાં ૧૫થી ૨૫ દિવસ પછી હૃદયની નળીઓમાં બ્લડ સર્ક્યુલેશનમાં ક્લૉટીંગ જોવા મળે છે. સમયસર દર્દીની સારવાર થાય તો દર્દીઓ સાજા થઈ જાય છે. કોરોનાની રિકવરી પછી કોઈ વ્યક્તિને છાતીમાં દુખાવો થાય કે બીજી કોઈ તકલીફ કે લક્ષણો દેખાય તો તરત જ હૃદયનું નિદાન કરાવી લેવું જોઈએ. 
 
દર્દીને સમયસર સારવાર મળી જાય તો કોમ્પ્લિકેશન્સ થતા નથી. કોરોનાની સારવાર દરમિયાન દર્દીનું d-dimer વધી જતું હોય છે, ત્યારે ડોક્ટર દર્દીને લોહી પાતળું કરવાની દવા આપતા જ હોય છે. દર્દીઓએ જરૂરિયાત પ્રમાણે એક કે બે મહિના થી લઈને ત્રણ મહિના સુધી દવા લેવી જોઈએ, પરંતુ પોતાના ડોક્ટરની સલાહ પ્રમાણે.
 
 
કોરોનાનો ત્રીજો વૅવ કેવો હશે ? અને ક્યારે આવશે.? એ વિષે ડૉ. તેજસ પટેલે કહ્યું હતું કે, કેસો ઓછા થાય એટલે લોકોમાં કમ્ફર્ટલેવલ આવી જાય છે, પછી લોકો રિલેક્સ થઇ જાય છે, પરિણામે કોરોના ઉથલો મારે છે. એટલે જ સેકન્ડ વૅવમાં આપણને ઘણી તકલીફો પડી. સ્પેનિશ flu ની પેટર્ન પ્રમાણે જોઈએ તો કોરોનાના ત્રીજા વૅવની માનસિકતા રાખી શકાય પરંતુ કોરોના સામેની કાળજીનુ ચુસ્ત પાલન કરીશું તો આ સંભાવના અટકાવી શકીશું.
 
 
કોરોના પણ એક વાયરસ જ છે, એ ગમે ત્યારે તો ઢીલો પડશે જ. જે આવે છે તે જાય જ છે. પરંતુ આપણે ત્રીજા વૅવને બ્લન્ટ કરી નાખવો પડે. એ માટે વેક્સિનેશન એ સૌથી સારામાં સારો ઉપાય છે. આપણે સૌ નાની મોટી આડઅસરોની ચિંતા કર્યા વિના કોરોનાની વેક્સિન લેવી જ જોઇએ. 
 
કોરોનાના આ વૅવમાં જોવા મળ્યું છે કે, જેમણે વેક્સિનના બે ડોઝ લીધા છે તેવા લોકોને કોરોનાની ગંભીર અસરો થઇ નથી. રસી લીધી એટલે કોરોના નહીં થાય એવી ગેરંટી નથી, પરંતુ બે ડોઝ લીધા પછી ચોક્કસ દિવસના અંતરે એન્ટીબોડી ડેવલપ થાય છે. આપણે વેક્સિન લઈશું તો હર્ડ ઈમ્યૂનિટી આવશે અને આપણે કોરોનાની ખરાબ અસરોમાંથી બચી શકીશું.