બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 મે 2021 (13:00 IST)

અમદાવાદમાં વેક્સિન ખુટી પડતાં મોટી હાલાંકી, 40થી વધુ કેન્દ્રો પર રસીનો સ્ટોક ખુટી પડ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલોમાં બેડ, રેમડેસિવિર ઈન્જેક્શન અને ઓક્સિજનની અછતની સ્થિતિ માંડ નિયંત્રણમાં આવી રહી છે ત્યાં હવે વેક્સિનેશન પ્રોગ્રામમાં બબાલો શરૂ થઈ છે. ગુરૂવારે શહેરના 40થી વધુ વેક્સિનેશન સેન્ટર ઉપર વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો હતો. એક અંદાજ મુજબ અમદાવાદમાં રોજે 55 હજાર વેક્સિનની જરૂર છે તેની સામે સરકાર તરફથી આશરે 35 હજાર વેક્સિનનો જ જથ્થો આવી રહ્યો છે.​​​​​​​

ગુરૂવારે ટાગોર હોલ ખાતે સવારે માત્ર 500 વેક્સિનનો જથ્થો આવ્યો હતો જે ખૂટી જતા 45 વર્ષ ઉપરના લોકોએ રાહ જોવી પડી હતી. કોર્પોરેશનના સાતે ઝોન પાસે વેક્સિનના વપરાશ મુજબ બે દિવસનો એડવાન્સ જથ્થો રહેતો હતો જ્યારે હવે રોજે વપરાશ કરતા 20થી 30 ટકા ઓછો જથ્થો મળી રહ્યો છે. શહેરના વેક્સિનેશન સેન્ટરો ઉપર રોજ સવારે 9 વાગ્યાની આસપાસ એક વખત જથ્થો આવે છે જે મોટાભાગના સેન્ટરો પર બપોર સુધીમાં ખાલી થઈ જાય છે. ખાસ કરીને 45 વર્ષ ઉપરના લોકો માટે વેક્સિન ખૂટી જવાની ફરિયાદ છે.

કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પહેલી મે સુધી 45 વર્ષ ઉપરના લોકો માટે વેક્સિનેશન કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેમાં વેક્સિન ખૂટી જવાની ફરિયાદો આવી નહોતી, પરંતુ પહેલી મેથી 18થી 44 વયજૂથના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરી છે ત્યારથી રોજેરોજ વેક્સિનનો જથ્થો ખૂટી જવાની ફરિયાદો વધી છે. કોર્પોરેશનના અધિકારીઓએ વેક્સિન માટે ગાંધીનગર હેલ્થ વિભાગમાં ધામા નાખીને બેસવું પડી રહ્યું છે. ગરૂવારે અમદાવાદમાં વધુ 27739 લોકોએ વેક્સિન લીધી હતી જેમાં 15319 પુરૂષ અને 12420 સ્ત્રીઓનો સમાવેશ થાય. સૌથી વધુ 45 વર્ષ ઉપરના 11311 લોકોને વેક્સિન આપવામાં આવી હતી જ્યારે 18થી 44 વયજૂથના 8250 લોકોને વેક્સિન અપાઈ હતી. 60 વર્ષ ઉપરના 5475 સિનિયર સિટીઝનોએ વેક્સિન લીધી હતી.