બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 જૂન 2019 (12:35 IST)

વાયુ' વાવાઝોડાનું જોખમ : રોરો અને કાર્ગો સર્વિસ બંધ કરવાની સાથે પોર્ટ એમ્પલોયર્સની રજા રદ

13મી જૂનના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠથી 'વાયુ' વાવાઝોડું પસાર થવા દરમિયાન કલાકની 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સંભવિત વાવાઝોડાને પગલે ગુજરાતનું તંત્ર સજ્જ થયું છે. મુખ્ય સચિવ જે.એન. સિંઘ અને પોર્ટ તેમજ ટ્રાન્સપોર્ટના પ્રિન્સિપલ સેક્રેટરી સુનયના તોમરે પત્રકાર પરિષદ કરીને ગુજરાત સાથે આગામી દિવસોમાં અથડાનાર 'વાયુ' વાવાઝોડા વિશે માહિતી આપી હતી. તકેદારીના ભાગરૂપે તમામ બંદરોના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે, તેમજ રોરો અને કાર્ગો સેવાને બંધ કરી દેવામાં આવી છે. મુખ્ય સચિવ જે.એન.સિંઘે જણાવ્યું કે, સંભવિત વાવાઝોડાને પગલે આર્મી, નેવી, કોસ્ટગાર્ડ સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. દરેક જિલ્લામાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જો જરૂર પડશે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતર શરૂ કરવામાં આવશે. 13મી તારીખે સવારે વાવાઝોડું ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાવાની સંભાવના છે. એટલું જ નહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઓડીશાના મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને વાવાઝોડાની તૈયારીઓ અંગે માહિતી મેળવશે. સુનયના તોમરે જણાવ્યું હતું કે, "વાયુ વાવાઝોડાને પગલે તમામ બંદરો પર સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. તકેદારીના ભાગરૂપે રોરો ફેરી અને કાર્ગો સેવાને બંધ કરી દેવામાં આવી છે. તમામ પોર્ટના કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ જહાજના મુખ્ય એન્જીનને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. સાથે જ ડ્રાઇવરો અને કંડક્ટરોની રજા પણ રદ કરવમાં આવી છે. ડ્રાઇવરો અને કંડક્ટરો સાથે બેઠક કરીને કેવા જોખમ ઉઠાવી શકાય તેની માહિતી આપવામાં આવશે."'વાયુ' વાવાઝોડાને પગલે ભાવનગરના દરિયા કાંઠાના 34 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મહુવા અને તળાજાના આશરે 17 થી 18 ગામ તંત્ર નજર રાખી રહ્યું છે. આ માટે NDRF ટીમને મહુવા ખાતે મોકલવામાં આવશે. બીજી તરફ તંત્ર તરફથી અલંગના કામદારોને ચેતવણી આપવામાં આવી છે, તેમજ અલંગના શીપ બ્રેકિંગ યાર્ડને બંધ રાખવા આદેશ કરાયા છે. વાવાઝોડાના ઝોખમને પગલે મજુરોને વ્યવસ્થિતઅને સલામત સ્થળે ખસેડવા માટે તંત્રએ પૂરતી તૈયારી કરી લીધી છે. રજા પર ગયેલા કલેકટરની રજા પણ રદ કરવામાં આવી છે, તેઓ ફરજ પર હાજર થઈ ગયા છે. જિલ્લામાં ડીઝાસ્ટર રૂમ કાર્યકર કરાયો છે તેમજ દરિયાકાંઠાના સરકારી કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. વાવાઝોડાની અસરને પગલે એનડીઆરએફની બે ટીમને જામનગર લાવવામાં આવી છે. મંગળવારે બપોર સુધી એક ટીમ જોડીયા ગામ તો બીજી ટીમ જામનગર પહોંચશે.