ગુજરાતમાં તહેવારોની મોસમમાં શાકભાજીના ભાવમાં ૧૦૦થી ૧૫૦ ટકાનો વધારો

રીજનલ ડેસ્ક| Last Updated: સોમવાર, 26 ઑગસ્ટ 2019 (13:04 IST)

ગુજરાતમાં વરસાદનો કહેર વેઠયા બાદ જિલ્લાવાસીઓને હવે વરસાદને કારણે સર્જાયેલી શાકભાજીની અછતના કારણે મોંઘવારીનો માર વેઠવો પડી રહ્યો છે. તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે ગૃહિણીઓ પર મોંઘવારીનો પહેલો કોરડો વિંઝાઇ ગયો છે. છેલ્લા એક મહિનામાં શાકભાજીના ભાવોમાં ૧૦૦થી ૧૫૦ ટકાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હતું. રાજ્યભરમાં જુલાઈના અંતિમ દિવસોમાં વરસાદી માહોલ જામ્યા બાદ ઑગસ્ટ મહિનાના ૧૫ દિવસ સુધી ધોધમાર વરસાદ વરસતાં શાકભાજીની આવકમાં ઘટાડો થવાને કારણે ભાવમાં ધરખમ વધારો થયો હતો. રાજ્યમાં નાસિક માર્કેટમાંથી શાકભાજી આવતા હોય છે. જોકે હાલમાં રાજ્યભરમાં થયેલાં અતિભારે વરસાદને કારણે શાકભાજીની આવક ઘટતા જિલ્લાના એપીએમસીમાં છેલ્લાં એક મહિનામાં શાકભાજીના ભાવોમાં ૧૦૦થી ૧૫૦ ટકાનો વધારો થયો હતો. ભાવ વધારાને કારણે રોજિંદા શાકભાજી જેવા કે, રીંગણા, બટાકા, કાંદા, ફુલાવર, કોબીજ, ભીંડા સહિતના શાકભાજી ખરીદવામાં પણ ગૃહિણીઓ ખચકાઈ રહી છે. એક તરફ શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યાં કઠોળના ભાવોમાં પણ તેજી આવતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હતું.


આ પણ વાંચો :