બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 જાન્યુઆરી 2019 (11:52 IST)

વાઈબ્રન્ટ ગુજરાત સમિટની કોંગ્રેસે હકિકતના આંકડા દર્શાવી પોલ ખોલી નાંખી

વાઇબ્રન્ટ ગુજરાત અંગે કોંગ્રેસે જોરદાર વિરોધ કરતા આ કાર્યક્રમને નિરર્થક અને ગુજરાતની પ્રજાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પાછલા વાઇબ્રન્ટમાં જાહેર કરવામાં આવેલ મોટા મોટા વાયદાઓના આંકડા અને હકીકતમાં સાકાર પામેલ પ્રોજેક્ટના આંકડા દર્શાવીને સરકારના દાવાઓની પોલ ખોલી હતી.જ્યારે સરકારે વિધાનસભાના ખાસ સત્રમાં આંકડા દર્શાવતા કહેવામાં આવ્યું હતું કે પાછલા 8 વાઇબ્રન્ટમાં કુલ 81,726 પ્રોજેક્ટમાં રાજ્યમાં રોકાણની જાહેરાત કરવામાં આવી હતી જે પૈકી 42,341 જેટલા પ્રોજેક્ટ હાલ ચાલુ થઈ ગયા છે. 
જ્યારે 39,385 જેટલા પ્રોજેક્ટ અધવચ્ચે છોડી દેવામાં આવ્યા છે અથવા તો શરુ જ કરવામાં આવ્યા નથી. જોકે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ‘સોશિયો ઇકોનોમિક સર્વે 2016-17ના મુજબ રાજ્યમાં 1983થી 2016 સુધીમાં કુલ 2.75 લાખ કરોડનું રોકાણ થયું છે. જ્યારે બીજી તરફ RBIનો રિપોર્ટ જણાવી રહ્યો છે કે રાજ્યમાં 2002થી 2018 દરમિયાન કુલ રુ.1.07 લાખ કરોડનું રોકાણ થયું છે. જેનો સ્પષ્ટ અર્થ છે કે કુલ રોકાણ પૈકી 1.68 લાખ કરોડનું રોકાણ તો 1983થી 2002 દરમિયાન થયું છે.’જ્યારે વિધાનસભામાં દર્શાવવામાં આવેલ આંકડા મુજબ વાઇબ્રન્ટમાં જાહેર કરવામાં આવેલા અનેક પ્રોજેક્ટ પડતા મૂકવામાં આવ્યા છે. 
ધાનાણીએ વધુમાં કહ્યું કે, ‘આ જ સોશિયો ઇકોનોમિક સર્વેમાં જણાવાયું છે કે રાજ્યમાં 33 વર્ષમાં કુલ રોકાણ જ 2,75,880 લાખ કરોડનું છે. જ્યારે સરકાર દાવો કરી રહી છે કે પાછલા એક દશકમાં રાજ્યમાં 3.50 લાખ કરોડ રુપિયાનું રોકાણ વાઇબ્રન્ટ દ્વારા આવ્યું છે. જે દર્શાવે છે કે સરકાર ફક્ત હવામાં વાતો કરી રહી છે. જ્યારે આ માટે રોકાણ કરતી કંપનીઓને તેમના રોકાણ કરતા પણ વધારે ફાયાદાઓ આપવામાં આવ્યા છે.’તેમણે વધુમાં કહ્યું કે, ‘વાઇબ્રન્ટના સમય કરતા તો પહેલા વધારે રોકાણ આવતું હતુ. ત્યારે લોકોને મૂર્ખ બનાવવા માટે શા માટે આવા તાયફા કરવાની જરુરી છે. સરકાર વાઇબ્રન્ટ સમિટના નામે લોકોના રુ.1000 કરોડનો ધુમાડો કરી રહી છે. તેની જગ્યાએ આ રુપિયાથી ખેડૂતલક્ષી કલ્યાણના કામ થઈ શક્યા હોત.’