રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ
Written By
Last Updated : બુધવાર, 16 જાન્યુઆરી 2019 (14:24 IST)

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અનિલ અંબાણી ભાગ નહીં લઈ શકે

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ની નવમી કડી 18થી 20 જાન્યુઆરી દરમિયાન પાટનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારી છે, જેમાં વડા પ્રધાન મોદીની હાજરીમાં યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં દેશના 19 જેટલા ટોચના ઉદ્યોગપતિઓ-ઉદ્યોગ સંચાલકો તથા જાહેર ક્ષેત્રના એકમોના સીઇઓ ઉપસ્થિત રહેશે, જેમાં આ મહાનુભાવો સમાવિષ્ટ હશે. પરંતુ આ બધા મહાનુભાવોની વચ્ચે મળતી માહિતી પ્રમાણે વાઈબ્રન્ટ સમિટમાં રાફેલ વિવાદ નડી ગયો. રિલાયન્સ એડીએજી ગ્રુપના માલિક અનિલ અંબાણી આ સમિટમાં ભાગ લઇ શક્શે નહી. આ મામલામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મૌન સેવી રાખ્યુ છે.

રાફેલ સોદામાં કથિત ભ્રષ્ટાચારને કારણે આંતરાષ્ટ્રીય સ્તરે કેન્દ્રની એનડીએ સરકાર બદનામીને પગલે ગુજરાતમાં ભાજપ સરકારે પણ વાઇબ્રન્ટ સમિટમાં દાસોલ્ટ એવિયેશન ગ્રૂપના નામ ઉપર ચોકડી મારી છે.
રક્ષા ક્ષેત્રની બાબતનો જાણકારે એપ્રિલ-2015માં કહ્યું હતું કે, વડાપ્રધાનની સાથે રિલાયન્સ (એડીએજી) પ્રમુખ અનિલ અંબાણી અને તેમના સમૂહના અધિકારીઓ પણ ફ્રાન્સ ગયા હતા અને રાફેલ બનાવતી કંપની સાથે ચર્ચા કરી હતી. ઉપરાંત રાહુલ ગાંધીએ પણ વારંવાર રાફેલ ડિલ અનિલ અંબાણી માટે ફાયદાનો સોદો ગણાવી પ્રહારો કર્યા છે. નિષ્ણાતોના આરોપ બાદ આ વાતને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પણ આગળ વધારી હતી. તેમણે એક ટ્વીટ કરીને લખ્યું હતું કે માર્ચ 2015માં અંબાણીની રિલાયન્સ ડિફેન્સની નોંધણી થઈ. તેમણે કહ્યું, “બે સપ્તાહ બાદ મોદી સરકારે યુપીએ સરકારની 600 કરોડ રૂપિયામાં રાફેલ ખરીદવાની ડીલને 1500 કરોડ રૂપિયાની ડીલમાં ફેરવી દીધી. જાહેર ક્ષેત્રની કંપની હિંદુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડની જગ્યા અંબાણીની કંપનીએ લીધી જેથી તે 58 હજાર કરોડની કેકનો અડધો સ્વાદ ચાખી શકે.” આમ હંમેશા મોદી સરકાર પર આરોપ મૂકાયા છે કે, નરેન્દ્ર મોદીના નજીક મનાતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવા માટે બધુ કરાયું છે. આ વિવાદા આજે રૂપાણી સરકારને પણ વાયબ્રન્ટ વખતે નડ્યો.

રાફેલ ડીલમાં વિમાનોની વધેલી કિંમત, સરકારી કંપની HALના સોદામાંથી બહાર રાખવા, અનિલ અંબાણીની કંપનીને ડૉસોલ્ટ એવિએશન દ્વારા ઓફસેટ પાર્ટનર બનાવવા અને કથિત રીતે સિક્યુરિટી કેબિનેટ કમિટીની મંજૂરી વગર જ વડાપ્રધાન દ્વારા આ સોદાની જાહેરાત કરવા જેવા મુદ્દાઓને લઈને વિવાદ થયો હતો. આ મુદ્દે કોંગ્રેસ ભારે આક્રમક વલણ દાખવતી હતી અને મોદી સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો લગાવતી રહી. બાદમાં સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. કોંગ્રેસ આરોપ લગાવતી હતી કે, આ ડીલમાં ભારે ગોબાચારી આચરવામાં આવી છે. કોંગ્રેસનું કહેવું હતું કે, સરકાર પ્રત્યેક વિમાન 1,670 કરોડ રૂપિયામાં ખરીદી રહી છે જ્યારે તત્કાલીન યુપીએ સરકારે વિમાન દીઠ 526 કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. સાથે જ કોંગ્રેસે પણ સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો કે, આખરે કેમ સરકારી એરોસ્પેસ કંપની HALને આ સોદામાં શામેલ ના કરવામાં આવી.

આ 19 ઉદ્યોગપતિઓ રહેશે હાજર

(1) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી- મુકેશ અંબાણી
(2) તાતા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરન
(3) આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ્ બિરલા
(4) ગોદરેજ ગ્રૂપના ચેરમેન અદિ ગોદરેજ
(5) અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી
(6) સુઝલોન એનર્જી લિમિટેડના ચેરમેન તુલસી તંતી
(7) કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ
(8) ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સુધીર મહેતા
(9) ભારત ફોર્જના ચેરમેન બાબા કલ્યાણી
(10) કોટક મહિન્દ્રા બેન્કના વાઇસ ચેરમેન- સીઇઓ- ઉદય કોટક
(11) કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદી
(12) આઈટીસીના ચેરમેન સંજીવ પુરી
(13) ભારતી એન્ટરપ્રાઇસીસના વાઇસ ચેરમેન અને સીઆઇઆઇના પ્રેસિડેન્ટ રાકેશ ભારતી મિત્તલ
(14) હિન્દુસ્તાન સેનિટરીવેર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના સીએમડી તથા ફિક્કીના પ્રેસિડેન્ટ સંદિપ સોમાણી
(15) વેલસ્પનના ચેરમેન બી.કે. ગોયેન્કા
(16) એચડીએફસીના ચેરમેન દીપક પારેખ
(17) એસબીઆઇના ચેરમેન રજનીશકુમાર
(18) ઓએનજીસીના ચેરમેન શશી શંકર
(19) આઇઓસીના ચેરમેન સંજીવ સિંહ.