શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 જાન્યુઆરી 2022 (18:29 IST)

વાયબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્વ છઠ્ઠા તબક્કામાં 39 સાથે કુલ 135 MOU થયા, 7 સ્ટ્રેટેજિક MOUનો સમાવેશ અમરેલીમાં એરપોર્ટ ફલાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ માટેના કરાર સંપન્ન

આગામી 10મી જાન્યુઆરીએ 10મી વાયબ્રન્ટ સમિટ યોજાશે. ત્યારે ગુજરાત સરકાર દર સોમવારે પ્રિ-વાઈબ્રન્ટ સમિટ યોજીને રોકાણ માટેના MOU કરી રહી છે. 6 સોમવાર સુધી કેટલા MOU થયા તેની સરકારે વિગતો જાહેર કરી હતી. આ 5 સોમવાર દરમિયાન ગુજરાત સરકારે કુલ 135 MOU કર્યા હતા. ઇજનેરી સહિતના વિદ્યાર્થીઓને રિસર્ચ એન્ડ ટ્રેનિંગ-ફોરેન્સીક સાયન્સ રિલેટેડ પ્રોગ્રામ- ત્રણ આદિજાતિ જિલ્લાના પોલીસ કર્મીઓના માનસિક શારીરિક સ્વાસ્થ્ય માટેના કોર્ષ ડિઝાઇન અંગેના- આયુર્વેદ અને હોમીયોપેથીમાં શોધ સંશોધન સહિતના MOU થયા હતાં. 
 
સ્કીલ્ડ હ્યુમન રિસોર્સિસના સ્ટ્રેટેજિક MOU થયા
આગામી 10 જાન્યુઆરીએ યોજાનાર વાઈબ્રન્ટ સમિટ પહેલાં રાજ્યના ઉદ્યોગ વિભાગે છઠ્ઠા તબક્કામાં 39 MOU થયાં હતાં. શિક્ષણ મંત્રી  જિતુ વાઘાણી અને ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાએ આ MOU સંબંધિત રોકાણકારો સાથે પરસ્પર એક્સચેન્જ કર્યા હતા. આ સૂચિત રોકાણો માટેના જે 39 MOU થયા તેમાં ગુજરાત જલ સેવા તાલીમ સંસ્થાએ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ માટેના, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વચ્ચે ફોરેન્સીક સાયન્સ રિલેટેડ પ્રોગ્રામ તેમજ સ્કીલ્ડ હ્યુમન રિસોર્સિસના સ્ટ્રેટેજિક MOU થયા હતા. 
 
વિદ્યાર્થીઓને તાલીમ કાર્યક્રમના MOU થયા 
ઉદ્યોગ ક્ષેત્રે રોકાણો ઉપરાંત રાજ્યની શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અને પંચમહાલ-ગોધરા મહીસાગર જિલ્લા પોલીસ વચ્ચે પોલીસ સ્ટાફના માનસિક-શારીરિક સ્વાસ્થ્ય અને જાહેર વહીવટ તેમજ કાનૂની ક્ષેત્રે સ્કીલ ડેવલપમેન્ટના MOU થયા હતા. આ ઉપરાંત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર ફોર સસ્ટેઇનેબલ એનર્જી અને ટેક્નોલોજી રિસર્ચ માટેના MOU તથા સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા સરકારી પોલિટેકનીક તથા ડિગ્રી ઇજનેરી કોલેજોના વિદ્યાર્થીઓને તાલીમ કાર્યક્રમના MOU થયા હતા. 
 
સેટેલાઇટ માટે સંશોધન કેન્દ્રના પણ MOU થયા
અમરેલીમાં એરપોર્ટ ફલાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ માટેના MOU પણ આ છઠ્ઠા તબક્કામાં સંપન્ન થયા હતા. આ સ્ટ્રેટેજિક MOU ઉપરાંત કેપ્ટીવ જેટી પ્રોજેક્ટ, કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ, રાજ્યમાં પ્રથમ લિથીયમ રિફાઇનરી વિકસાવવાના, ગ્રીન રિન્યુએબલ હાઇડ્રોજન ફેસેલીટી માટેના, જંતુનાશક ઇન્ટરમીડીયેટસ, સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સ પ્લાન્ટ, નેનો સેટેલાઇટ માટે સંશોધન કેન્દ્ર વગેરેના MOU પણ થયા હતા.