ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (11:54 IST)

મેમોરેન્ડમ ઓફ મીસ અન્ડરસ્ટેન્ડિંગ - 2011માં થયેલા 8380 MOU માંથી 3887 MOU રદ થયા

વાઇબ્રન્ટ ગુજરાતની વર્ષ ૨૦૧૧ની સમિટમાં ૨૦ લાખ કરોડના એમઓયુ સાઇન થયા હતા. જેમાંથી લગભગ ૪૬ ટકા એમઓયુ રદ્દ થયા છે. સમિટ પછી જાહેર કરવામાં આવતા રોકાણના મોટામોટા આંકડા હાલ સાત વર્ષ પછી કેટલાં સાબિત થઈ રહ્યા છે તે રદ્દ થયેલા એમઓયુની સંખ્યા પરથી જાણી શકાય છે. વર્ષ ૨૦૧૧ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલા ૮૩૮૦ એમઓયુ(મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ)માંથી ૩૮૮૭ એમઓયુ રદ્દ થયા છે. કૃષિ, બાયોટેકનોલોજી, શિક્ષણ, ખાણ-ખનીજ વેગેરે જેવા મુખ્ય ૩૪ ક્ષેત્રોને એમઓયુ ૨૦૧૧ની વાઇબ્રન્ટ સમિટમાં ૧૨મી અને ૧૩મી જાન્યુઆરીએ સાઇન કરવામાં આવ્યા હતા. આ તમામ એમઓયુના અંદાજિત કુલ રોકાણની કિમત ૨૦ લાખ કરોડ હતી. આ ક્ષેત્રોમાં મહત્વના કહી શકાય તેવા કેટલાંક ક્ષેત્રોના તમામ એમઓયુ રદ્દ થયા હોય તેવા ઉદાહરણો પણ છે. તે વર્ષે સિવિલ એવિએશનના ૧૫ એમઓયુ થયા હતા. જેમાંથી તમામ એમઓયુ હાલ રદ્દ થયા છે. ઇન્ફર્મેશન ટેકનોલોજીને પ્રોત્સાહનની વાતો કરતી સરકારે આઈ.ટી. ક્ષેત્રના ૧૧૫ એમઓયુ કર્યા હતા. જેમાંથી ૮૧ એમઓયુ રદ્દ કરવામાં આવ્યા છે. ઉપરાંત બાકી બચેલા એમઓયુ પૈકી એકપણ એમઓયુ હાલ પ્રારંભિક તબક્કામાં કે અમલીકરણ હેઠળ નથી. પ્રવાસનક્ષેત્રે થયેલા ૫૭૪ એમઓયુમાંથી ૪૨૬ એમઓયુ રદ્દ થયા છે. રોડ અને રેલવેના ૩૬ એમઓયુમાંથી ૩૦ એમઓયુ રદ્દ થયા છે. ઔદ્યોગિક વિકાસ માટે સરકારે બનાવેલા સ્પેશિય ઇકોનોમિક ઝોન(સેઝ)મા થયેલા ૧૮માંથી ૧૪ એમઓયુ પડતા મૂકવામાં આવ્યા છે. બિનપરંપરાગત ઉર્જાક્ષેત્રે થયેલા ૬૬માંથી ૫૬ એમઓયુ હાલ માત્ર કાગળ પર જ રહ્યા છે. જીએમડીસી હેઠળ કરવામાં આવેલા ૩૯માંથ ૩૭ એમઓયુ રદ્દ થયા છે. સ્વાસ્થ્યક્ષેત્રે થયેલા ૧૦૦માંથી ૯૧ એમઓયુ પણ હવે માત્ર વાર્તા રે વાર્તા બની ગયા છે. ૨૦૧૧માં થયેલા એમઓયુને હવે સાત વર્ષ થવા આવ્યા છે. આટલા વર્ષ આયોજન અને મંજૂરી માટે પૂરતા છે, પરંતુ આજે પણ મોટાભાગના પ્રોજેક્ટને મંજૂરી જ મળી છે. બહુ જૂજ પ્રોજેક્ટ પ્રારંભિક તબક્કા સુધી પહોંચી શક્યા છે.