શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ઑગસ્ટ 2019 (10:42 IST)

CM રશિયાથી પરત ફર્યા, કહ્યું ડાયમંડ અને ટિમ્બરના વ્યાપાર-ઉદ્યોગ માટે રશિયામાં ઉજળી તકો

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણી રશિયાના ત્રણ દિવસનો સફળ પ્રવાસ પૂર્ણ કરી આજે બપોરે ગુજરાત પરત ફર્યા હતા. મુખ્યમંત્રીએ રશિયા પ્રવાસની ફળશ્રુતિ વર્ણવતા કહ્યું કે, રશિયામાં ડાયમંડ અને ટિમ્બરના વ્યાપાર માટેની ખૂબ ઉજળી તકો છે. ગુજરાત અને રશિયા વચ્ચે એક એમ.ઓ.યુ. કરવામાં આવ્યો છે અને હજૂ પણ ઘણી તકો રહેલી છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે જવાના છે તે પૂર્વે ભારતીય ડેલીગેશનની આ મુલાકાત પાયારૂપ બની રહેશે.

તેમણે કહ્યું કે, રશિયા સાથે ભારતના સારા સંબંધો પહેલેથી રહ્યા છે અને ત્રણ દિવસની સફળ યાત્રા બાદ બંન્ને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો નવી ઉંચાઇ ચોક્કસ પ્રાપ્ત કરે તે માટેના અનેકવિધ પ્રયાસો-આયામો પણ કરવામાં આવ્યા છે. રશિયામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી માટે ખૂબ જ માન-સન્માન છે તથા ગુજરાતીઓનો પણ ત્યાં વિશેષ પ્રભાવ રહેલો છે.

વ્લાદિવોસ્તોક પ્રાકૃતિક સંપદાથી ભરપૂર વિસ્તાર છે. ત્યાં પ્રાકૃતિક ડાયમંડ, ગોલ્ડ, ઓઇલ, ગેસ ક્ષેત્રે વ્યાપારની મોટી તકો રહેલી છે. ગુજરાતના કંડલા બંદરેથી મોટા પાયા પર હિરાની નિકાસ થાય છે અને લાકડાની રશિયામાંથી આયાત કરવામાં આવે છે. આફ્રિકા અને મધ્યપૂર્વ દેશોમાં જે પ્રમાણે આપણો વ્યાપાર વિસ્તાર થયેલો છે તે રીતે રશિયામાં પણ ગુજરાતીઓ વ્યાપાર, ઉદ્યોગક્ષેત્ર પ્રગતિ કરી શકે તેવી પૂરી સંભાવનાઓ છે. 

રશિયાના લોકોની લાગણી છે કે, ગુજરાતના ઉદ્યોગપતિઓ અમારે ત્યાં આવીને કામ કરે અને પરસ્પરના  વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બનાવે. ત્રણ દિવસની યાત્રા આ દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી બની રહેશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ઉદ્યોગ-વાણિજય મંત્રી પિયૂષ ગોયલની અધ્યક્ષતામાં રશિયા ગયેલ ડેલિગેશનમાં દેશના ચાર રાજ્યના મુખ્યમંત્રીઓ પણ જોડાયા હતા.